રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. જેને લઈ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. આ યુદ્વને લઈ અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. ત્યારે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે કથાકાર મોરારિબાપુએ જણાવ્યું હતું કે, તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રાશી અર્પણ કરવાની પહેલ કરી છે.
વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો માટે ઉત્તમ કાર્ય કરે છે. ત્યારે કથાકાર મોરારિબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર શ્રી રામમંદિર માટે અનુદાન આપવાની બાપુએ અપીલ કરી હતી અને એ નિમિત્તે શ્રોતાઓ દ્વારા રૂપિયા 19 કરોડની રાશી એકત્ર થઈ હતી જે પૈકી 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું. ત્યારે લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી 10 સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે.
બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવેઃ મોરારીબાપુ
આ સંસ્થાએ યુક્રેન યુદ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે. વસુધૈવ કુટુંબકમની ભાવના અનુસાર ભારતીય અસરગ્રસ્તો અને અન્ય ધર્મ કે જાતિના હોય તેવા પીડિત લોકો માટે પણ આવશ્યકતા અનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવે અને આ દુ:ખદ પરિસ્થિતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકો માટે મોરારીબાપુએ પ્રાર્થના કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.