હોળીમાં ચોમાસુ:મિની વાવાઝોડા સાથે માવઠું; ગાજવીજ સાથે વરસાદી માહોલથી ઘઉં, કેરી સહિતના કૃષિપાકને ભારે નુકશાની

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળા પછી સીધુ ચોમાસુ
  • ભાવનગર ઉપરાંત મહુવા, તળાજા, ગારિયાધાર, સિહોર, પાલિતાણા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી નુકશાની

ભાવનગર શહેર અને જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં સતત બીજા દિવસે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજની સાથે તોફાની પવન ફૂંકાયા બાદ માવઠું વરસ્યું હતુ. ભાવનગર શહેરમાં ખાસ તો ચિત્રા વિસ્તારમાં સાંજે સાડા છ વાગ્યા બાદ તોફાની પવન સાથે હોળીમાં ચોમાસુ માહોલ જામ્યો હતો અને કમોસમી વરસાદ વરસતા હોલિકા દહન માટે છાણા સાથે હોળી તૈયાર કરેલી તેના છાણા આ વરસાદમાં પલળી ગયા હતા. હવામાન વિભાગ દ્વારા હજી આવતી કાલ તા.7 માર્ચને મંગળવારે પણ માવઠાની આગાહી ભાવનગર જિલ્લામાં કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલની જેમ આજે પણ બપોર બાદ સાંજના સમયે વાતાવરણ પલટાયું હતુ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાનો આરંભ થયા બાદ ખાસ કરીને ભાવનગર પશ્ચિમના ચિત્ર સહિતના વિસ્તારોમાં તો સાંજે સાડા છ વાગ્યા આસપાસ અષાઢી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને 20 મિનિટ સુધી ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો. જેથી રાહદારીઓ પલળી ગયા હતા. ચિત્રા અને આપપાસાના વિસ્તારમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની આંધી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.

મહુવા શહેર અને તાલુકામાં આજે બપોર બાદ ઘટાટોપ વાદળો છવાતા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી તાલુકાના ખેડુતોમાં પાકમાં નુકશાની થવાની ચિંતા ઉભી થવા પામી હતી. તળાજા શહેર તથા આજુબાજુના વિસ્તારમાં આજે સાંજના સમયે મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાતા પલટાયા બાદ કોઈ કોઈ જગ્યાએ પવનની સાથે ધૂળની ડમરી અને વરસાદનો છંટકાવ થયો હોવાનું જાણવા મળેલ છે. તળાજા અને સિહોર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘઉં, ડુંગળી, તલ સહિતના ઉભા પાકને નુકસાન થવાની શક્યતા દર્શાવાઇ રહી છે

ગારિયાધાર શહેર તેમજ પંથકનાં ગામડામાં વિજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.સાંજનાં પાંચ વાગ્યા આસપાસ પવનનાં સુસવાટા વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.રોડ પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી પાલિતાણામાં વાદળછાયુ વાતાવરણ રહેલ હતું પરંતુ આજે સાંજના સમયે ભારે મેઘાડંબર અને વાદળોના ગડગડાટ તેમજ ચમકતી વીજળીઓ સાથે વરસાદ તૂટી પડેલ હતો. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસેલ હતો. માવઠાનો વરસાદ વરસાદ છે રાબેતા મુજબ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો.

આજે ભાવનગરમાં માવઠાની આગાહી
વાતાવરણમાં અપર લેવલ ટ્રફ અરબ સાગર સુધી ફેલાયો છે. આ ટ્રફ અરબ સાગરથી ભેજ ખેંચે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલા સર્ક્યુલેશનને લીધે વાતાવરણમાં પલટો છે. ભાવનગર જિલ્લામાં હજી આવતી કાલ તા.7 માર્ચને મંગળવારે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જેસરમાં વીજળી ત્રાટકતા લીમડાના વૃક્ષના બે ફાડા
જેસરના બોદરવાડીમાં સાદુળભાઈ બોદરના ઘરની બાજુમાં 20 ફુટના લીમડાના ઝાડ ઉપર વીજળી પડતા લીમડાના બે ફાડા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...