ગંભીર બેદરકારી:રાજકીય કાર્યક્રમો અને બજારમાં ભીડને રોકો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લહેરના મેળાવડા બન્યા સીધા વાહક

ભાવનગરમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ છેલ્લા બે દિવસથી 40 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. અગાઉ રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા કરેલા સ્નેહમિલન સમારોહ, રેલીઓ, સમારોહ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવા કાર્યક્રમોની પણ કોરોના ફેલાવામાં ભૂમિકા છે. અને રાજ્ય કક્ષાના કાર્યક્રમો બંધ થયા પરંતુ ભાવનગર સ્થાનિક કક્ષાએ હજુ પણ ગંભીરતા ના હોય તેમ રાજકીય કાર્યક્રમો યોજાઈ રહે છે અને બજારમાં પણ લોકોની માસ્ક વગરની ભીડ ઉમટે છે.\n ભાવનગર સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે.

અને હજારો લોકો કોરોનાની લપેટમાં આવી ગયાં છે. તેની માટે લોકોની જાગૃતિનો અભાવ તો છે જ પરંતુ મુખ્યત્વે રાજકીય મેળાવડા પણ જવાબદાર છે. હવે રાજકીય નેતાઓ કોરોનાની ઝપટમાં આવ્યા ત્યારે ભાન થયું અને વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખી. પરંતુ કોરોનાના સંક્રમણ વચ્ચે પણ રાજકીય નેતાઓ ભાવનગરમાં પણ સ્નેહ મીલન સમારોહ, ખાતમુહૂર્ત, લોકાર્પણ, રાજકીય રેલીઓ, મેળાવડા સતત ચાલુ રહ્યા હતાં અને હજારો માણસોની ભીડ ભેગી કરી હતી. હજુ પણ આટઆટલા કેસ આવે છે અને રાજ્ય કક્ષાના કાર્યક્રમો બંધ રહ્યા છતાં ભાવનગરમાં તો માણસો ભેગા કરવાનું શરૂ જ છે.

આજે પણ ભાજપ દ્વારા દરેક વોર્ડમાં મોદીના દિર્ઘાયુ માટેનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની અવગણના કરી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ તાજેતરમાં રેલી અને સંમેલન યોજ્યુ હતું. દેશભરમાં કોરોનાનું સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું હોવા છતાં બજારમાં પણ બિન્દાસ રીતે માસ્ક વગરના લોકોની ભીડ જામે છે. જરૂર વગર લોકો બહાર આટા મારવાનું ટાળતા નથી. જે ગંભીર બેદરકારી છે.

આજે સેવાસેતુમાં માણસો ભેગા કરશે
કોરોના વધતા વાઇબ્રન્ટ સમિટ સહિત તમામ કાર્યક્રમો પણ બંધ રાખ્યા છે. પરંતુ સ્થાનિક કક્ષાએ તેની ગંભીરતા ના હોય તેમ આવતીકાલ શુક્રવારે ભાવનગર જિલ્લામાં સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે. જેમાં મોટાભાગે માત્ર આવક અને જાતીના દાખલા જ કાઢવામાં આવે છે. પરંતુ ઓછી જગ્યામાં માણસોની ભીડ જામે છે. જેથી કોરોનાનુ સંક્રમણ ફેલાવાની સંભાવના વધે છે.

અન્ય સમાચારો પણ છે...