પ્રેરણારૂપ:બે હાથ સહિત છ અંગોનું દાન કરનારનું સ્ટેચ્યુ મુકાયુ, પાટણા ગામે ધાર્મિક કાકડીયા ચોકનું ઉદ્દઘાટન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના​​​​​​​ અંગદાનના નિર્ણયને બિરદાવ્યો

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામના અજયભાઈ લાલજીભાઈ કાકડીયાના 14 વર્ષના પુત્ર ધાર્મિકનું સુરત ખાતે બ્રેઈન ડેડ થતા હૃદય, ફેફસા, લિવર, કાર્નિયા અને બન્ને હાથનું દાન કરવામાં આવેલ. બ્રેઈનડેડ વ્યક્તિના બે હાથ સહિત છ અંગોનું દાન કરવાની ઘટના વિરલ હોવાથી સમસ્ત પાટણા ગામ દ્વારા અંગદાન કરનાર ધાર્મિકનું સ્ટેચ્યુ મુકી પાટણાના આ ચોકને ધાર્મિક કાકડીયા ચોક નામ આપવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર સમાચાર અને અંગદાન મહાદાન સમિતિ દ્વારા આ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે ત્યારે આ પ્રેરણાદાયી કાર્યને સમિતિના સભ્યોએ હાજર રહી બિરદાવ્યું હતું. આ ચોકના ઉદઘાટન સમારોહમાં પાળિયાદ જગ્યાના પૂજય નિર્મળાબા, સમાજ સેવક દિલીપભાઇ દેશમુખ “દાદા”, નિલેશભાઇ માંડલેવાલ સહિતના હાજર રહેલ. આ સ્મૃતિ ચોક દ્વારા લોકોમાં અંગદાનની જનજાગૃતિ આવશે.

સમગ્ર ગુજરાતમાં સમાજ સેવક દિલીપભાઇ દેશમુખ દાદા દ્વારા ચલાવાતા અંગદાન અભિયાનને ખૂબ સફળતા મળી રહી છે. વ્યકિત બ્રેઇનડેડ થતાં તેના શરીરનો અંત જ આપવાનો છે. અને છેલ્લે આ શરીરની રાખ થવાની છે ત્યારે જો પરિવાર સમજીને એ વ્યકિતના શરીરના અંગોનું દાન કરવાનો નિર્ણય લે તો સાત જિંદગી બચી શકે છે.

ભાવનગર જિલ્લા અંગદાન અભિયાનના ઇન્ચાર્જ અશોકભાઇ ઉલવા, ડૉ. અનિલભાઇ ત્રિવેદી, બાબુભાઇ કાપડી, ભાવેશભાઇ, વી.ડી.પરમાર, નરશીભાઇ, અમરશીભાઇ સહિતનાએ ધાર્મિક કાકડિયાના સ્ટેચ્યુને ફુલહાર પહેરાવી, તેમના પરિવારના કાર્યને સૌએ બિરદાવ્યું હતું.

વલ્લભભાઈ શિહોરાનું ચક્ષુદાન-દેહદાન કરાયું
આપણે ત્યાં લોકો મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરતાં હોય છે. પરંતુ પાલીતાણાના સામાજિક આગેવાનશ્રી વલ્લભભાઇ શિહોરાએ આ બંન્ને કરીને મૃત્યુ બાદ પણ સેવાનો ભેખ જાળવી રાખ્યો છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરાના પિતા વલ્લભભાઈ શામજીભાઈ શિહોરા જેઓનું આજરોજ અવસાન થયું હતું. પરિવારના સંકલ્પને લઈને દેહદાન કરવાનું નક્કી કરાયું હતું. ચક્ષુદાન પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...