બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા એક શ્રમજીવી પરિવાર પર પ્રેમ લગ્ન કરેલા દિકરીના જમાઈએ છરી વડે હુમલો કર્યો હતો. તેમજ સાળાને ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત સાળાને સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. આ અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા
આ સમગ્ર બનાવ અંગે ઢસા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે શંભુ ટપુ મૂળીયા નામનો પ્રજાપતિ પરિવાર વસે છે. વ્યવસાયે શ્રમજીવી અને આર્થિક રીતે પછાત શંભુ દિકરા-દિકરીઓનો બહોળો પરીવાર ધરાવે છે. જેમાં શંભુ ટપુ મૂળીયાની એક પુત્રી વર્ષાએ આજથી થોડા સમય પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કંટારી ગામનાં ચંદ્રકાન્ત ઉર્ફે ટીણો હરિશ્ચંદ્ર વૈષ્ણવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
જમાઈ સાળીને પણ ભગાડી ગયો હતો
આ લગ્ન જીવન થકી એક પુત્રી અવતર્યા બાદ પ્રેમી દંપતિ વચ્ચે "હરિ રસ ખાંટો" થઈ જતાં પરિણીતા સાત માસની પુત્રીને લઈને છેલ્લા કેટલાક સમયથી પિયરમાં રીસામણે આવી હતી. તેમજ એક મહિનાથી છૂટાછેડાની વાતચીત ચાલી રહી હોય દરમિયાન ચંદ્રકાન્ત ઉર્ફે ટીણો તેની સાળીને ભગાડી ગયો હતો, પરંતુ થોડા દિવસ રહી ભાગેલી યુવતી ફરી ઘરે પરત ફરી હતી.
ઉશ્કેરાયેલા જમાઈએ બિભત્સ ગાળો આપી છરી વડે હુમલો કર્યો
આ દરમિયાન ચંદ્રકાન્ત ઉર્ફે ટીણો તેના સાસરીએ આવી તેની કારના કાગળો તથા જમીનનાં દસ્તાવેજ માંગતા તેની પત્નીએ જણાવ્યું હતું કે, છૂટાછેડાના કાગળો પર સહી કરી તારા દસ્તાવેજો લઈ જા, આથી ઉશ્કેરાયેલા જમાઈએ બિભત્સ ગાળો આપી તેના સાળા બિપિન પર છરી વડે જિવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ માથાકૂટમાં બિપિનને બચાવવા પડેલા સાસુ, સાળી તથા પત્ની અને અન્ય સાળા પર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ સારવાર અર્થે બોટાદ ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જયાં તેની સઘન સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આરોપીની સાસુ સવિતાએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.