તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Sir T. Of Bhavnagar. Not Only Fire Safety In The Hospital, Medicine Will Be Available But If There Is A Fire, The Only Cure Is To Survive

બેદરકારી:ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ નથી, દવા મળશે પણ આગ લાગે તો બચવા માત્ર દુવા

ભાવનગર8 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાવનગરની સર ટી. હોસ્પિટલની તસવીર. - Divya Bhaskar
ભાવનગરની સર ટી. હોસ્પિટલની તસવીર.
 • ફાયર બ્રિગેડની વારંવારની નોટિસોને ઘોળીને પી જાય છે, સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે હજારોની સંખ્યામાં સારવાર લેતા દર્દીઓ માથે મંડરાતુ મોત

ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી સર ટી. હોસ્પિટલ માં ફાયર સેફ્ટી અંગે કોઈ સુવિધા જ નથી. છ મહિના પહેલા મ્યુ. કોર્પોરેશન દ્વારા આ અંગે હોસ્પિટલને નોટિસ અપાયા છતાં હજી ફાયર સેફ્ટીનો મામલો ફાઈલોમાં જ અટવાયો છે. અગાઉ અમદાવાદ ખાતે અને તાજેતરમાં રાજકોટ ખાતે હોસ્પિટલમાં સર્જાયેલી દુઘર્ટના આંખ ઉઘાડનારી છે. ત્યારે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનાં મામલે શું શું સુવિધા જોઈએ અને વાસ્તવમાં પરિસ્થતિ શું છે. તે અંગે સૌરાષ્ટ્ર સમાચાર ની ટીમે સ્થળ પર પહોંચી મેળવેલી હકિકતો ચોંકાવનારી છે.

ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં જુનુ બિલ્ડીંગ, નવુ બિલ્ડીંગ, ટ્રોમા સેન્ટર અને ગોપનાથ મેટરનીટી હોમ એમ ચાર જુદા જુદા બિલ્ડીંગો આવેલા છે. આજે આ બિલ્ડીંગોની તપાસ કરતા એકપણ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો જોવા મળ્યા નથી. મોટાભાગના બિલ્ડીંગોમાં માત્ર અને માત્ર ફાયરના બાટલા અસ્ટેગવીશર જ જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો રાજ્યભરમાં છાસવારે બને છે ત્યારે હોસ્પિટલ તંત્રની આ ગંભીર બેદરકારી છે. હોસ્પિટલમાં દવા મળશે પણ આગ લાગે તો બચવા માટે માત્ર દુવા કરવી પડશે.

હાલ કોરોના કાળમાં મોટાભાગના લોકો સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવાનુ પસંદ કરે છે.ત્યારે ફાયર સેફ્ટીના અભાવે ભયના ઓથાર તળે સારવાર લે છે. ગોપનાથ મેટરનીટી હોમના સ્ટાફના જણાવ્યા મુજબ આ બિલ્ડીંગમાં અગાઉ પણ આગનો બનાવ બનેલ છે અને નવજાત શિશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. પણ સરકાર લોકોના આરોગ્ય પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે ફાયર સેફ્ટીની સુવીધા ફરજીયાત હોવી જ જોઇએ. નવા બિલ્ડીંગમાં ત્રીજા માળે ઓર્થોપેડિકની સારવાર લેતા એક દર્દીના જણાવ્યા મુજબ અમે આગ લાગે તો તુટેલા હાડકા સાથે ક્યા જઇએ? આ માળે પાણીના પાઇપો છે તે પણ તુટેલા છે.

એ જ રીતે હોસ્પિટલના બર્ન્સવોડમાં સતત એરકંડીશન ચાલુ હોય છે આ વિભાગમાં તપાસ કરતા ફાયર સેફ્ટીના સાધનો બાબતે સ્ટાફે કોઇ જાણકારી નહિ હોવાનું જણાવ્યુ હતુ. અને સેફ્ટીના સાધનો પણ ક્યાય દ્રષ્ટિગોચર થયા ન હતા. એક વર્ષમાં હોસ્પિટલને બે-બે વાર નોટીસો આપ્યા છતા ફાયર સેફ્ટીની સુવિધા નહી થતા ફાયર ઓફિસર દ્વારા આજે હોસ્પિટલના અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને ફરી પત્ર લખાયો છે. હોસ્પિટલમાં યુધ્ધના ધોરણે ફાયર સેફ્ટીના સાધનોની સવલત મળે તે અંગે તંત્રએ જાગૃત બનવુ જરૂર છે.

ભાવનગરમાં ઘણી હોસ્પિટલોએ આ વર્ષે ફાયર સેફ્ટીના સાધનો વસાવી એનઓસી પણ મેળવી લીધું છે. પરંતુ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ હોસ્પિટલના કર્મચારીઓને નહીં આવડતો હોવાના પ્રશ્નો ઉભા થયા છે. જેથી આજે ચિફ ફાયર ઓફિસર હિરપરા, IMAના પ્રેસિડેન્ટ ડો. દર્શન શુક્લા, ડીઆરડીએના ડાયરેક્ટર સહિતનાએ જુદી જુદી હોસ્પિટલોના સંચાલકો સાથે બેઠક યોજી આગામી દિવસોમાં હોસ્પિટલના કર્મચારીઓને ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ માટે ટ્રેનિંગ ગોઠવવાનું આયોજન કરાયું હતું.સર ટી. હોસ્પિટલમાં કોઈ ફાયર સેફ્ટીના સાધનો નથી. તો તંત્ર માત્ર નોટીસ આપે છે. જ્યારે ખાનગી હોસ્પિટલ કે સ્કૂલોને સીલ કરી દેવામાં આવે છે. આ મામલે અધિકારીઓની અંગત જવાબદારી નક્કી થવી જોઈએ.

વહીવટી મંજુરી બાદ સુવિધા કરવી શક્ય
નરેન્દ્રભાઈ કાલિયા, ડેપ્યુટી ઇજનેર,સિવિલ વિભાગ,પી.આઇ.યુ.- આજથી 6 મહિના પહેલા ફાયર સેફ્ટી કરાવવાની નોટિસ આપવામાં આવી હતી. તાત્કાલિક અમે વહીવટી મંજૂરીમાં ફાઈલ મૂકી દીધી હતી. વહીવટી મંજુરી આવી જાય એટલે બધી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી નાં તમામ સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવશે. પહેલા સરકાર નાં નિયમ મુજબ જી પ્લસ વન ફાયર સેફ્ટી માટે ફાયર એસ્ટેંગગ્વીશર ની સેફ્ટી ચાલતી હતી. છેલ્લા 6-8 મહિનાથી ઘણા રૂલ બદલાયા છે. ફાયર હાઈડ્રન્ટ કે ફાયરકોક ની સુવિધા કરવી પડે છે. એસ્ટીમેટ કરીને વહીવટી વિભાગ માં ફાઈલ મૂકવામાં આવી છે. તાત્કાલિક સુવિધા કરાશે.

કોવિડ સારવાર માન્ય 14 પૈકી 6 હોસ્પિ.માં NOC નથી
ભાવનગર શહેરમાં કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 14 હોસ્પિટલોને માન્યતા આપી છે તે પૈકી છ હોસ્પિટલો પાસે ફાયર NOC નથી. જેથી ફાયર બ્રિગેડ દ્વારા આજે NOC વગરની 5 હોસ્પિટલોને સીલ કરી હતી. અન્ય બાકી અહમદ નુર વસઈવાલા હોસ્પિટલ સામે કાર્યવાહી શરૂ છે.

હેલ્થ કમિશનરની સૂચના સિવિલ સંચાલકો ઘોળીને પી ગયા
ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં કોવિડની સારવાર આપતી હોસ્પિટલમાં આગની ઘટના બાદ હેલ્થ કમિશનર શિવહરે દ્વારા વીડિયો કોન્ફરન્સથી સર ટી. હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને સ્પષ્ટ રીતે ફાયર સેફ્ટીની સુવિધા વસાવવા સૂચના આપી હતી. ગ્રાન્ટ પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કોર્પોરેશનમાં મ્યુ. કમિશનર સાથે હોસ્પિટલના અધિકારીઓએ બેઠક પણ ગોઠવી હતી પરંતુ રાત ગઈ બાત ગઈની જેમ સિવિલ હોસ્પિટલમાં આજ સુધી કોઈ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.

માનવતાના ધોરણે હોસ્પિટલોને આંશિક સીલ
ડો.મહેશ હીરપરા, ચીફ ફાયર ઓફિસર- ભાવનગરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવ અને એન.ઓ.સી. નહિ લીધેલી 100 જેટલી હોસ્પિટલ- ક્લિનિકને ત્રણ મહિના અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. જે પૈકી ફાયર સેફટીના અભાવવાળી સાત હોસ્પિટલને આજે માનવતાના ધોરણે આંશિક સીલ મારવામાં આવ્યા છે. જ્યારે પણ દર્દી સારવાર લઈ ચાલ્યા જશે ત્યારે સંપૂર્ણ સીલ મારવામાં આવશે. અન્ય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી શરૂ છે.

ફાયર સેફ્ટી માટે આ સાધનો જરૂરી

 • ફાયર એસ્ટેંગગ્વીશર
 • ફાયર હોઝ રીંગ
 • ફાયર એલાર્મ
 • સ્મોક ડીટેક્ટર
 • સ્પ્રિંકલર, ફાયર એક્ઝિટ
 • ફાયર હાઈડ્રન્ટ

કઈ હોસ્પિટલને સીલ કરી ?

 • ઓમ રુદ્ર હોસ્પિ., કાળુભા રોડ
 • હોપ હોસ્પિટલ, કાળુભા રોડ
 • પુનિત નર્સિંગ હોમ, જેલરોડ
 • ડો.લાખાણી હોસ્પિ.દરબારી કોઠાર
 • સમર્પણ હોસ્પિટલ, કાળુભા રોડ
 • કહાન હોસ્પિટલ, કાળાનાળા
 • મંત્ર હોસ્પિટલ, કાળુભા રોડ
અન્ય સમાચારો પણ છે...