ભાવનગર શહેરના જન્મજ્યંતિના અવસરે આયોજિત ત્રી-દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે સર ટી. હોસ્પિટલ ખાતે ‘’સ્વચ્છતા ત્યાં પ્રભુતા’’ના મંત્રને સાકાર કરતાં સફાઇ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સાવરણો હાથમાં પકડીને આજે સફાઇ અભિયાનમાં જોડાયાં હતાં. તેઓએ કેમ્પસમાં પાર્કિગ, બગીચા, સ્પોર્ટસ ગ્રાઉન્ડ સહિતની જગ્યાએ સફાઇ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતા પર ભાર મૂકે છે. ભાવનગરના મેયર કિર્તીબેન દાણીધારીયા પણ તેમના વક્તવ્યમાં ભાવનગરને સ્વચ્છતામાં અગ્રેસર કરવાં માટે વારંવાર ભાર મૂકી રહ્યાં છે ત્યારે આજે યોજાયેલી સ્વચ્છતા તેમાં મહત્વપૂર્ણ બની રહેશે.
સર ટી. હોસ્પિટલમાં સ્વચ્છતાને કારણે દર્દીઓ તથા તેમની સાથે આવતાં સગાં- વ્હાલાઓને પણ સ્વચ્છતાનું વાતાવરણ મળશે. શિક્ષણ મંત્રીએ હોસ્પિટલમાં આવેલાં દર્દીઓના ખબર અંતર પૂછવાં સાથે તેના સ્વાસ્થ્યની મંગલકામના પણ કરી હતી. તેમણે હોસ્પિટલમાં દર્દી સેવા કેન્દ્ર ખાતે દર્દીઓને પૂરાં પાડવામાં આવતાં ટીફિન તથા અન્ય સેવાઓની પણ માહિતી મેળવી હતી. મંત્રી સાથે સ્વચ્છતા અભિયાનમાં સર ટી. હોસ્પિટલના આર.એમ.ઓ. આડેસરા તથા અન્ય તબીબો સાથે મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ પણ જોડાયાં હતાં.
મંત્રીએ આ સફાઇ અભિયાન બાદ પી.આઇ.યુ.ના અધિકારીઓ સાથે બેઠક કરીને તેમને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે સફાઇ સાથે સંકળાયેલાં અધિકારીઓને હોસ્પિટલની સ્વચ્છતા જળવાઇ રહે તે માટેના ઉપચારાત્મક પગલાંઓ વિશેની જાણકારી પણ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.