રોષ:કોઠી, કલીવાલાની ધરપકડથી બોગસના કારોબારમાં સન્નાટો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ જીએસટીએ કરેલી લાલઆંખ બાદ ભાવનગરમાં

તાજેતરમાં ભાવનગરમાંથી ઇરફાન કોઠી અને અસલમ કલીવાલાની જીએસટી ચોરીના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેઓની તપાસ દરમિયાન અનેકના પગ તળે રેલો આવવાની શક્યતા નિહાળી બાકી બચેલા બોગસ બિલિંગ સાથેના લોકો પણ ભાવનગર છોડી ગયા છે. કોઠી સ્ટીલ લિમિટેડના ભાવનગરના મામસા-માલપરના પ્લાન્ટ, ગોધરા, વડોદરાના ઓફિસ, રહેઠાણના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઠી સ્ટીલ લિમિટેડએ રૂપિયા 24 કરોડની ખોટી વેરાશાખ મેળવી કરચોરી કરી હતી.

અને તેની ભગીની સંસ્થા એચ.કે.ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડના સ્થળોએ તપાસ કરાતા તેમાંથી 1.33 કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું મળી આવ્યુ હતુ અને આ બંને કંપનીઓએ ભેગા મળી 163 કરોડના બોગસ બિલિંગમાં સામેલગીરી હોવાનું જણાઇ આવ્યુ છે. ભાવનગરની બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપનીઅે 41.38 કરોડના બોગસ બિલો ઇશ્યુ કરી 6.31 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાના કેસમાં પેઢીના માલીક અસલમ કલીવાલાની ધરપકડ કરવામાં આવી હતી.

અસલમ કલીવાલા અને ઇરફાન મોહમ્મદફિરદોશ કોઠીની ધરપકડ બાદ તેઓના બેંક વ્યવહારો, ટ્રાન્સપોર્ટની વિગતો, આંગડીયાના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે. કોઠીને ત્યાંથી જે કાચી ચીઠ્ઠીઓ જપ્ત થઇ છે તેમાં અનેકના વ્યવહારો ઢબૂરાયેલા છે. ઉપરાંત સજ્જાદ ભોજાણીનું કોમ્પ્યુટર ભાવનગરમાં અનેકના માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે, આગામી દિવસોમાં સજ્જાદની પણ અમદાવાદ ખાતે પુછપરછ કરવામાં આવનાર છે. હવે, કોઠી-કલીવાલાની ધરપકડ થતા પુન: અનેકના પગ તળે રેલા આવવાની શંકાએ પંટરો ભાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...