અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે નિકળેલું જહાજ દરિયાઇ તોફાનમાં ફસાયા બાદ માલ્ટા દેશના કાંઠે ઢસડાઇ ગયુ હતુ અને પાણીની અંદરના પાવર કેબલ સાથે જહાજનો અકસ્માત થયો હતો. જહાજને માન્ય વીમા કવચ હોવા છતા વીમા કંપની દ્વારા લેટર ઓફ અંડરટેકિંગ નહીં અપાતા માલ્ટા દેશ દ્વારા હવે આ જહાજ તૂર્કિમાં જ ભંગાવા મોકલવાનો આગ્રહ સેવવામાં આવતા અલંગના શિપબ્રેકર મુશ્કેલીમાં મુકાયા છે.
21મી ફેબ્રુઆરી, 2022ના રોજ, અલંગ, ભારતના પી પટેલ શિપ બ્રેકિંગે દુબઈ સ્થિત કંપની આરવી ઇન્ટરનેશનલ DMCC, યુએઇ સાથે IMO નંબર 680644 ધરાવતા જહાજ એસ.એસ. ચેમ-પી માટે વેચાણ ખરીદ કરાર કર્યો હતો. 12000 ટનના કેમિકલ ટેન્કર જહાજનો ફેબ્રુઆરીમાં પ્રતિ એલડીટી 750 ડોલરના ભાવથી ખરીદ્યુ હતુ, અને હાલ 900 ડોલર જેવો ભાવ ચાલી રહ્યો છે.
શિપની ડિલિવરી 15મી એપ્રિલ, 2022ના રોજ અલંગ ખાતે થવાની હતી. દરિયાઇ તોફાન બાદ 19મી માર્ચ, 2022ના રોજ માલ્ટામાં પાણીની અંદરના પાવર કેબલ સાથે જહાજને અકસ્માત થયો હતો અને તેઓ વીમા વળતર માટે તેમના P&I ક્લબ સાથે કામ કરી રહ્યા હતા.
આરવી ઇન્ટરનેશનલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, યુએસએ થી ભારતની સફર માટેના જહાજમાં પી. એન્ડ આઇ. માટે વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ અને એચ એન્ડ એમ માટે લિબર્ટી જેવી પ્રતિષ્ઠિત વીમા કંપનીઓ પાસે તમામ જરૂરી વીમા લીધા હતા. 22 થી 25 માર્ચ, 2022 ની વચ્ચે આરવી ઇન્ટરનેશનલએ અમને જાણ કરી કે P&I ક્લબ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડે વાજબી ન હોય તેવા કારણોસર આ ઘટના માટે વીમા કવરેજ નકારી કાઢ્યું છે અને તે કાનૂની કાર્યવાહીની દિશામાં આગળ વધી રહ્યું છે. એ નોંધવું પણ અગત્યનું છે કે હવે સ્થાનિક નિયમોના પાલનમાં જહાજને તુર્કીમાં જ ભંગાર કરવા જવું પડે તેવી સ્થિતિ છે.
શિપની રાહમાં સમયગાળો નિષ્ફળ ગયો
એસ.એસ.ચેમ-પી ગત ફેબ્રુઆરીમાં ખરીદ્યુ હતુ. અમરિકાથી ભારતની જળમુસાફરી વચ્ચે દરિયાઇ તોફાનમાં શિપ ફસાતા માલ્ટા પાસે અન્ડરવોટર કેબલને નુકસાન થતા માલ્ટાએ જહાજ એરેસ્ટ કર્યુ હતુ. શિપને લંડનની પી.એન્ડ આઇ.નો માન્ય વીમો હોવા છતા કંપનીએ લેટર ઓફ અંડર ટેકિંગ આપ્યુ નહીં. ત્રણ મહિનાથી આ જહાજની રાહમાં અનેક નફાકારક જહાજો અમે ખરીદી શક્યા નહીં અને સમયગાળો નિષ્ફળ ગયો છે. - મહેશભાઇ પટેલ, પી.પટેલ શિપબ્રેકર્સ, પ્લોટ નં.46, અલંગ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.