તા.27મી જુલાઇથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જુદી જુદી માંગીઓને લઇને ચાલતી હડતાળ ગુરૂવારે પણ યથાવત રહી હતી, જો કે શિપબ્રેકરોએ જહાજનું કટિંગ કામ પુન: શરૂ કરી દીધુ છે. શિપ બ્રેકિંગ, રોલિંગ મિલ અને ટ્રક એસોસિએશન પોત પોતાની માંગણી પર અડગ રહ્યા છે, અને મડાગાંઠ યથાવત્ રહી છે.
શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા) દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, લોડિંગ ચાર્જ હટાવવાની અને અગાઉની પધ્ધતિ મુજબ કામગીરી શરૂ રાખવાની બાબત અમોએ વોટ્સએપ ગ્રુપમાં પ્રસારિત કરી દીધી છે, લેટરહેડ પર લેખિતમાં માંગણી અમારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. જ્યારે ભાવનગર-સિહોર રી-રોલિંગ મિલ, ફરનેસ એસો., પ્રોફાઇલ કટિંગ એસો. મહેસાણા-વિજાપુર રોલિંગ મિલ એસો. દ્વારા પુન: માંગ ઉચ્ચારવામાં આવી છે કે, શિપબ્રેકિંગ એસો. દ્વારા લેટરહેડ પર લોડિંગ ચાર્જ હટાવાયાનો પત્ર આપે તો જ અમે લોડિંગની કામગીરી શરૂ કરીશુ. જ્યારે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. પોતાની માંગ ઉપર અડગ છે, તેઓ રાજ્યની અંદરના હમાલીના રૂ.20 પ્રતિ ટન અને રાજ્ય બહારના રૂ.40 પ્રતિ ટન હમાલી નાબુદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રક વ્યવહાર બંધ રાખવાની પુન: ઘોષણા કરાઈ છે.
વોટ્સએપમાં લેખિત બાંહેધરી આપી દીધી
અલંગમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ અને રોલિંગ મિલ એસો.ની માંગણી મુજબ લોડિંગ ચાર્જ રૂ.100 પ્રતિ ટન નાબૂદ કરવાનો અને જૂની પધ્ધતિ મુજબ કામગીરી કરવાનો અમારા એસો.માં નિર્ણય લેવામાં આવ્યો છે, અને વોટ્સએપમાં લેખિતમાં સરક્યુલર પ્રસારિત કરવામાં આવેલો જ છે. > રમેશભાઇ મેંદપરા, ઉપપ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)
લેટરહેડ પર લેખિતમાં આપો તો જ માન્ય
અલંગમાં જ્યારે લોડિંગ ચાર્જ લગાડાવમાં આવ્યો હતો ત્યારે 15.05.2020ના રોજ શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા લેટરહેડ પર સરક્યુલર જાહેર કરી અને રૂ.100 પ્રતિ ટન લોડિંગ ચાર્જ લગાડવામાં આવ્યો હતો. તેઓએ તાજેતરમાં સરક્યુલર નં.7, 8, 9 તેઓના લેટરહેડ પર જ પ્રસિધ્ધ કર્યા હતા. લેટરહેડ પર લેખિતમાં બાંહેધરી આપવામાં આવે તેનાથી બીજી અમારી કોઇ માંગણી નથી. > હરેશભાઇ પટેલ, પ્રમુખ, સિહોર રી-રોલિંગ મિલ એસો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.