અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શિપબ્રેકરો દ્વારા ઉઘરાવવામાં આવતા રૂ.100 પ્રતિ ટન લોડિંગ ચાર્જ હટાવવા માટે અને ટ્રક ભાડા વધારવા માટે ચલાવવામાં આવી રહેલી લડતમાં બુધવારે નવો વળાંક આવ્યો છે. શિપબ્રેકરોએ લોડિંગ ચાર્જ હટાવી અને જૂની સીસ્ટમ પ્રમાણે કામગીરી કરવાની મૌખિક સહમતી આપી છે, અને ગુરૂવારથી અલંગમાં શિપકટિંગ કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ રી-રોલિંગ મિલ એસો. અને ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. લેટરહેડ પર લેખિતમાં લોડિંગ ચાર્જ હટાવાયો હોવાની માંગણી પર અડગ છે.
તા.27મી જુલાઇથી અલંગમાં ટ્રકની હડતાળ ચાલી રહી છે, અને તેના કારણે જિલ્લામાં અનેક ટ્રક-ટ્રાન્સપોર્ટરોના પૈડા થંભી ગયા છે. રી-રોલિંગ મિલ અને ટ્રક એસો. દ્વારા શિપબ્રેકિંગ એસો. દ્વારા વસુલવામાં આવતો રૂ.100 પ્રતિ ટનનો લોડિંગ ચાર્જ હટાવવાની માંગ કરાઇ રહી હતી.
ગુરૂવારે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)ની મળી ગયેલી બેઠકમાં લોડિંગ ચાર્જ હટાવવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રી-રોલિંગ મિલ એસો. અને ટ્રક એસો. દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, જ્યારે લોડિંગ ચાર્જ થોપાયો હતો ત્યારે લેખિતમાં લેટરહેડ પર અપાયુ હતુ, હવે મૌખિક વાત ચાલે નહીં, અમારી માંગણી અને હડતાળ યથાવત્ રહેશે.
જૂની પધ્ધતિથી કામ, લોડિંગ ચાર્જ નાબૂદ
અલંગમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ અને રોલિંગ મિલ એસો.ની માંગણી મુજબ લોડિંગ ચાર્જ રૂ.100 પ્રતિ ટન નાબૂદ કરવાનો અને જૂની પધ્ધતિ મુજબ કામગીરી કરવાનો અમારા એસો.માં નિર્ણય લેવામાં આવ્યો છે, અને ગુરૂવારથી રાબેતા મુજબની શિપ કટિંગ કામગીરી શરૂ કરવામાં આવશે. > રમેશભાઇ મેંદપરા, ઉપપ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)
લેખિતમાં સરક્યુલર આપે તો જ માનીએ
અલંગમાં જ્યારે લોડિંગ ચાર્જ લગાડાવમાં આવ્યો હતો ત્યારે 15-05-2020ના રોજ શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા લેટરહેડ પર સરક્યુલર જાહેર કરી અને રૂ.100 પ્રતિ ટન લોડિંગ ચાર્જ લગાડવામાં આવ્યો હતો. હવે મૌખિક રીતે લોડિંગ ચાર્જ નાબૂદ કરવાની વાતો કરે છે, પરંતુ લેટરહેડ પર લેખિતમાં બાંહેધરી આપવા તૈયાર નથી, મૌખિકની વાત કેમ ચલાવી શકાય? > હરેશભાઇ પટેલ, પ્રમુખ, સિહોર રી-રોલિંગ મિલ એસો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.