સરકારી તંત્રનો સહકાર:શિપ રીસાયકલિંગ ઉદ્યોગ મહત્વપૂર્ણ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનોથી અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ અગ્રેસર

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અને સમગ્ર વિશ્વમાં ખ્યાતિપ્રાપ્ત અલંગના ગ્રીન શિપ રીસાયકલિંગ વ્યવસાયે અનેક તડકા-છાંયડાનો સામનો કરવા છતા પોતાના અસ્તિત્વના 38 વર્ષમાં હરણફાળ ભરી છે. વર્ષ 1983માં ભાવનગર જિલ્લાના અલંગના દરિયાકાંઠે ભરતી-ઓટની અસામાન્ય અસરોને ધ્યાનમાં રાખી અને શિપબ્રેકિંગ વ્યવસાય અહીં શરૂ કરાવવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં 8336 જહાજો પોતાની અંતિમ સફરે અલંગમાં આવી ચૂકેલા છે. ભાવનગર જિલ્લામાં 150થી વધુ રી-રોલિંગ મિલો આવેલી છે, અને તેઓનો કાચો માલ અલંગમાં ભાંગવામાં આવતા જહાજોના સ્ક્રેપમાંથી આવે છે, આમ ઓછા અંતરમાં રોલિંગ મિલોને કાચો માલ પ્રાપ્ત થતો હોવાથી તેઓને પરિવહન ખર્ચ, માલ પહોંચવાના સમયગાળામાં ખૂબ જ ફાયદો પહોંચે છે.

સ્ટીલની માંગ પુરી કરે છે:- ભારતની કુલ સ્ટીલની માંગ પૈકી 10% પુરવઠો એકલું અલંગ પુરો પાડી રહ્યું છે. તેના કારણે માઇનિંગ થકી કાચુ સ્ટીલ મેળવવાની પ્રક્રિયામાં રાહત મળે છે અને કુદરતિ સંશાધનોનો ઓછો ઉપયોગ થાય છે.

5 વર્ષથી હોંગકોંગ કન્વેન્શન મુજબની કામગીરી :- ભારત સરકાર દ્વારા 2019માં હોંગકોંગ કન્વેન્શન અપનાવવામાં આવ્યુ છે. ઉપરાંત શિપ રીસાયકલિંગ એક્ટ પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ અલંગના ઉદ્યોગકારો હોંગકોંગ કન્વેન્શન મુજબના પ્લોટ છેલ્લા 5 વર્ષથી બનાવી રહ્યા છે, અને હાલના તબક્કે 100થી વધુ પ્લોટધારકોએ સ્વખર્ચે હોંગકોંગ કન્વેન્શન મુજબના પ્લોટની સવલતો ઉભી કરી છે. અને બાકીના પ્લોટમાં અપગ્રેડેશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે છબી સુધારી :- વખતો વખત શિપ રીસાયકલિંગ અંગેના આંતરરાષ્ટ્રીય સેમિનારો, મીટિંગોમાં શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના પ્રતિનિધિઓ ઇન્ટરનેશનલ લેવલે ભાગ લઇ અને અલંગમાં અપનાવવામાં આવેલા સુધારા, આધૂનિક શિપ રાસાયકલિંગ પધ્ધતિઓથી સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓને અવગત્ કરાવે છે, અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છેલ્લા દોઢ દાયકાથી અલંગની છબી સુધરી છે.

સરકારી તંત્રનો સહકાર:- ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીઅેમબી), કસ્ટમ્સ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી), સંબંધિત સુરક્ષા અને પોલીસ તંત્ર સહિતના સંલગ્ન સરકારી વિભાગો દ્વારા પણ શિપ રીસાયકલિંગ વ્યવસાયને નડતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં તત્પરતાઓ દાખવવામાં આવે છે, અને તેના કારણે સામાન્ય પ્રશ્નો હોય તો પણ તેનું સ્થાનિક સ્તરે નિરાકરણ આવી જાય છે.
ભાવનગરનો મહત્વપૂર્ણ ઉદ્યોગ:- ભાવનગર જિલ્લાના 152 કિ.મી. લાંબા દરિયાકાંઠે અલંગનો શિપ રીસાયકલિંગ વ્યવસાય મહત્વનો છે. સામાન્ય રીતે અલંગને બાદ કરતા જિલ્લાનો તમામ દરિયાકાંઠો વિકાસની મીટ માંડીને બેઠો છે, ત્યારે અલંગ-સોસિયાના 11 કિ.મી.ના દરિયાકાંઠામાં શિપ રીસાયકલિંગ વ્યવસાય તેજી-મંદી, તડકો-છાંયડો સહન કરતો કરતો આગળ ધપી રહ્યો છે.

કનેક્ટિવિટી વધવાથી અનુકુળતા:- ભાવનગરને દેશના મોટા શહેરો સાથે સડક, રેલ, જળ અને હવાઇ માર્ગે કનેક્ટિવિટી મળી રહી છે તેની સાનુકુળ અસરો આગામી સમયમાં જોવા મળશે. ભાવનગર-અમદાવાદ ફોરટ્રેક રોડનું કામ ગતિમાં છે, ભાવનગર-સોમનાથ ફોરટ્રેક રોડ ત્રાપજ સુધી થોડી અડચણોને બાદ કરતા ઉપલબ્ધ બન્યો છે, ભાવનગર-રાજકોટ ફોરટ્રેક રોડ છે. આમ પરિવહનની દ્રષ્ટિએ ભાવનગર-અલંગને સવલતો ઉપલબ્ધ બની રહી છે તેના કારણે શિપ રીસાયકલિંગ વ્યવસાય અને ઉદ્યોગકારોને સરળતા-સુગમતા મળી શકશે. ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી વ્યવસાર્થે આવતા લોકોને આસાનીથી અહીં સુધી આવવા-જવાની સગવડ મળશે.

સામાજીક પ્રદાન:- ભારત દેશ માથે જ્યારે જ્યારે કોઇ સંકટ ઉભુ થાય છે ત્યારે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિઅેશન (ઇન્ડીયા) દ્વારા યથાયોગ્ય આર્થિક યોગદાન હંમેશા આપવામાં આવેલું છે. ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ધરતીકંપ બાદ કચ્છ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોના પુનર્વસન માટે શિપ રીસાયકલિંગ અેસો. અને અગ્રણી ઉદ્યોગકારોએ પોતાનું યોગદાન આપેલું છે.

કોરોનાકાળમાં મદદરૂપ:- વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે માર્ચ-2020થી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અલંગના શિપ રીસાયકલિંગ વ્યવસાયને પણ બંધ કરવો પડ્યો હતો, પરંતુ આ વ્યવસાય સાથે જોડાયેલા હજારો કામદારોના અન્ન પુરવઠા, આર્થિક બાબતો માટે એસોસિએશન અને ઉદ્યોગકારો પણ વ્યક્તિગત રીતે આગળ આવ્યા હતા, અને મુશ્કેલ સમયગાળામાં પરપ્રાંતિય કામદારોને ભોજન માટે કોઇ અગવડતા ન પડે તેની સતત ચિંતા કરી હતી અને પુરવઠો પુરો પાડ્યો હતો.

કોરોના દ્વિતિય લહેરમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થતા શિપ રીસાયકલિંગ વ્યવસાયમાં આવતો ઓક્સિજનનો પુરવઠો મેડિકલ ક્ષેત્રે પુરો પાડવા માટે સરકાર સાથે ખભે-ખભો મેળવીને સહકાર આપવામાં આવ્યો હતો. આમ આ મહત્વપૂર્ણ વ્યવસાયને કારણે સમગ્ર ભાવનગર જિલ્લાના આર્થિક ચક્રને બળ પ્રદાન થાય છે. શિપ રીસાયકલિંગ ઉદ્યોગ સતત કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકારથી આગેકૂચ કરી રહ્યો છે.

વીજ, પાણીની ઓછી જરૂરે ચાલતો ઉદ્યોગ
સામાન્ય રીતે કોઇપણ ઉદ્યોગને શરૂ કરાવતા અગાઉ સરકાર દ્વારા તે સ્થળોની આજુબાજુ 24 કલાક વીજ પુરવઠો, નિયમીત પાણી પુરવઠો પુરો પાડવા સહિતની વ્યવસ્થાઓ કરવી પડે છે. પરંતુ અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગને વીજ અને પાણીની કોઇ જરૂરીયાતો પડતી નથી. ઓછામાં ઓછા સરકારી સંશાધનોનો ઉપયોગ કરી અને આ ઉદ્યોગ આગળ ધપી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં અન્ય વ્યવસાયોને પણ શિપ રીસાયકલિંગ વ્યવસાય દ્વારા પરોક્ષ રીતે બળ મળી રહ્યું છે. રોજગારીની તકો પણ નિર્માણ થતી હોવાથી યુવા લોકો માટે સ્થાનિક સ્તરે નોકરીઓ મળી રહે છે.

યુરોપીયન યુનિયનની માન્યતાની રાહ
સમગ્ર વિશ્વના કુલ જહાજો પૈકી 30 ટકા જહાજોનો જથ્થો યુરોપીયન યુનિયનના દેશો ધરાવે છે. અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગને યુરોપીયન યુનિયનની માન્યતા મળે તેના માટે ખુટતી સવલતો શિપબ્રેકિંગના ઉદ્યોગકારો અને સરકાર પોતાના સ્તરેથી ઉપલબ્ધ કરાવવા માટે કાર્યરત છે. યુરોપીયન યુનિયનના જહાજોનો જથ્થો જો અલંગ તરફ અસ્ખલિત રીતે આવવા લાગે તો ઉદ્યોગને જહાજનો વધુ પુરવઠો મળી શકે અને સારા જહાજ આવી શકે તેમ છે.

હોંગકોંગ કન્વેન્શન મુજબના ગ્રીન પ્લોટ
ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં હોંગકોંગ કન્વેન્શન અંગેનો કાયદો મંજૂર કરવામાં આવ્યો હતો અને તેના મુજબની આવશ્યક સવલતો અલંગ અને શિપ રીસાયકલિંગ વ્યવસાયમાં ઉભી કરવાનું પ્રાવધાન છે. પરંતુ અલંગમાં હાલના તબક્કે 153 પૈકી 100 પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબના અપગ્રેડ થઇ ચૂક્યા છે. અને હજુ વધુ પ્લોટમાં અપગ્રેડેશનની પ્રક્રિયા ગતિમાં છે. હોંગકોંગ કન્વેન્શન મુજબની કામગીરી છેલ્લા 5 વર્ષથી અલંગમાં ચાલી રહી છે.

શિપ રીસાયકલિંગ ઉદ્યોગથી શું ફાયદો ?
કેન્દ્ર અને રાજ્ય સરકારને કરોડો રૂપિયાના કરવેરા પ્રદાન કરી રહેલા અલંગના શિપ રીસાયકલિંગ વ્યવસાયને કારણે 10ટકા સ્ટીલ દેશના કુદરતી સંશાસધનોનો ઉપયોગ કર્યા વિના મળી શકે છે. ઉપરાંત રોજગારી પ્રદાન કરવામાં પણ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. પર્યાવરણની જાળવણી, કામદારોની સલામતીનું અલંગમાં સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે, અને સતત નવી પધ્ધતિઓ અપનાવવાને કારણ સમગ્ર વિશ્વના લોકો પણ અલંગના અપગ્રેડેશનની સકારાત્મક નોંધ લઇ રહ્યા છે.

1.50 લાખ લોકોની રોજગારી જોડાયેલી છે
અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગના વિકાસ થવાથી ભાવનગર જિલ્લામાં શિપબ્રેકિંગ, રી-રોલિંગ મિલો, ટ્રક-ટ્રાન્સપોર્ટ, સ્ક્રેપ, મેટલ, મશિનરી, ઓક્સિજન સહિતના અનેક આનુષંગિક વ્યવસાયો છેલ્લા 3 દાયકાથી ભાવનગર જિલ્લામાં સતત વધતા જાય છે. જિલ્લાના 1.50 લાખ લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એકલો શિપ રીસાયકલિંગ ઉદ્યોગ રોજગારી પુરી પાડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના અન્ય વ્યવસાયોનો આધાર પણ અલંગના ઉદ્યોગ પર આધારીત રહે છે, આમ જિલ્લાનો આ મહત્વપૂર્ણ ઉદ્યોગ છે.

અન્ય સમાચારો પણ છે...