ગત ડિસેમ્બર માસમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ભંગાવવા માટે આવેલા જહાજ એમટી હેરિએટના દસ્તાવેજ સાથે ચેડા કરી અને શિપનું નામ તથા આઈએમઓ નંબર બદલાવીને લાવવામાં આવ્યા હોવાના કેસમાં ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા શીપના કેપ્ટન સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ત્રણેયના જામીન મંજુર કરવામાં આવ્યા છે. આ અંગે બચાવ પક્ષના વકીલ સુનિલભાઈ પી. કોટિયાના જણાવ્યા પ્રમાણે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં એમટી હેરિએટ જહાજ ભંગાણ માટે આવ્યું હતું.
આ શિપનો આઈએમઓ નંબર ખોટો દર્શાવેલ અને ખોટી આઇડેન્ટિટી કસ્ટમ વિભાગમાં દર્શાવેલી હતી. અને આ શિપનું સાચું નામ એમટી મેલોડી , જેનો આઈએમઓ નંબર 8800298 છે. પરંતુ શિપ નું નામ બદલી અને એમટી હેરિયેટ કરી અને ખોટો નંબર કસ્ટમ વિભાગને આપી ખોટા દસ્તાવેજો ઉભા કરેલ જેથી શીપની ખોટી માહિતી આપી અને લાભ મેળવવાનો પ્રયત્ન કરેલ. જેથી કસ્ટમ એક્ટની જુદી-જુદી કલમો તળે શીપના કેપ્ટન રાહુલ ચૌધરી શીપ ના એજન્ટ ચિરાગભાઈ ત્રિવેદી, સુનિલ નારાયણની ધરપકડ કરવામાં આવેલી હતી. અગાઉ ઘોઘા કોર્ટમાં જામીન અરજી રદ થતાં ત્રણે ને જેલહવાલે કરવામાં આવેલા હતા.
ત્રણેય લોકોને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં તેની સુનાવણી થતાં અને તેઓના વકીલ સુનિલભાઈ કોટીયા દ્વારા દલીલમાં રજૂ કરવામાં આવ્યું હતું કે, અરજદારોએ સદરહુ ગુનો કરેલ નથી તેમજ કલમ 135 હાલના અરજદારો સામે લાગુ પડતી નથી અને તેઓને ખોટા સંડોવી દેવામાં આવેલા છે. તથા વધુ વિગતે દલીલ કરતાં અદાલતે ત્રણેય અરજદારોને જામીન ઉપર મંગળવારે મુક્ત કર્યા છે. આ ગુનામાં મુખ્ય ગુનેગારોને હાલ કે જેઓ માલિકો હોય તેમજ શિપ ખરીદનારની પણ હાલ ની માહિતી મુજબ કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને હાલ તપાસ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.