સાક્ષાત જગદંબાનું સ્વરૂપ ગણાતા માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર ખાતે આવેલું છે.રાજ્ય કે રાષ્ટ્ર જ નહી પણ સમગ્ર વિશ્વમાંથી માતાના ભક્તો અત્રે દર્શનાર્થે આવે છે અને જોગમાયા સ્વરૂપ માતા ખોડિયારના દર્શન કરી પોતાની જાતને ધન્ય ગણે છે. મહા સુદ આઠમ એ ખોડિયાર માતાનો પ્રાગટય દિવસ છે.
ખાસ કરીને મંગળવાર અને રવિવારે માતાના હજારો મક્તો અત્રે દર્શનાર્થે ઉમટે છે. ભાવનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલા પ્રસિદ્ધ તીર્થધામ ખોડિયાર મંદિરે સોમવારથી શનિવાર સુધી રોજના અઢી હજારથી ત્રણ હજાર દર્શનાર્થીઓ આવે છે અને રવિવારે તો 20 હજારથી 25 હજાર દર્શનાર્થીઓ આવે છે.
તાજેતરમાં મંદિર શરૂ થયા બાદ કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે. પ્રસાદી વિનામૂલ્યે આપવામાં આવે છે. જ્યારે કોઇ ભાવિકોને મંદિર આવીને લાપસીની માનતા પૂર્ણ કરવાની હોય તો મંદિર દ્વારા ગેસનો ચુલો અને વાસણો વિનામૂલ્યે આપવામાં આવે છે. રહેવાસ માટે વિનામૂલ્યે વિશ્રામગૃહ છે.
ભાવનગરના રાજવી પરિવારના કુળદેવી
ભાવનગર શહેરથી 15 કિલોમીટરના અંતરે અને સિહોરથી સાતેક કિલોમીટરના અંતરે આ સુપ્રસિદ્ધ ર્તીથધામ આવેલું છે. આ મંદિરનો જિર્ણોદ્ધાર થતા હવે સુવિધાસભર થયુ છે. આ સ્થળે તાંતણીયો ધરો આવેલો છે. એવી ગાથા પણ પ્રચલિત છે કે તાતણીયા ધરાવાળા સ્થળે જ માતા ખોડિયાર પ્રગટ થયા હતા. ભાવનગરના ગોહિલવંશના રાજવી પરિવાર કુળદેવી તરીકે માતા ખોડિયારને પૂજા કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.