કાર્યવાહી:અલંગની આજુબાજુના ગામે SGSTએ 10 વાહનો પકડ્યા

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇ-વે બિલ, ઇન્વોઇસ વિનાના વાહનો સામે કાર્યવાહી
  • 30 લાખની પેનલ્ટી, ટેક્સ મોબાઇલ સ્ક્વોડ દ્વારા વસુલાઇ

સ્ટેટ જીએસટીના અન્વેષણ વિભાગની મોબાઇલ સ્ક્વોડ દ્વારા અલંગ શિપબ્રેકિંગ યાર્ડ અને તેની આજુબાજુના ગામડાઓમાંથી ગેરકાયદે માલ પરિવહન કરી રહેલા વાહનો સામે વિસ્તૃત ડ્રાઇવ ચલાવી અને કાર્યવાહી કરવામાં આવી હતી.

અલંગ ચેકપોસ્ટ, શ્રીજી યાર્ડ, પાંચપિપળા, મણાર, કઠવા, ત્રાપજ સુધીના રસ્તામાં અનેક જગ્યાએ સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન 10 વાહનો પાસે ઇ-વે બિલ, યોગ્ય ઇન્વોઇસ નહીં હોવાથી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 30 લાખ રૂપિયાની પેનલ્ટી અને ટેક્સ વસુલ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સીજીએસટી તંત્રની મોબાઇલ સ્ક્વોડ લાંબા સમયથી સુષ્ુપ્ત હાલતમાં છે અને કાર્યવાહી કરવામાં આળસ અનુભવી રહી છે. સીજીએસટી તંત્રમાં સ્ટાફ નવો અને બહારનો છે, ભાવનગર જિલ્લાની ભૂગોળથી વાકેફ નથી તેથી નક્કર કાર્યવાહી કરવામાં, મોબાઇલ સ્કવોડના ચેકિંગમાં બિનકાર્યક્ષમ હાલતમાં છે.

નિરમા ચોકડીથી લઇ અને મહુવા સુધી, સણોસરા સુધી સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ ઉપરાંત ઇ-વે બિલ, ઇન્વોઇસ વિના માલ પરિવહન કરી રહેલા વાહનો સામે પણ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશથી આસપાસના વિસ્તારોમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...