ભારતીય જનતા પાર્ટી દ્વારા ટૂંક સમયમાં શરૂ થનારા ભરતી મેળામાં કોંગ્રેસના મોટા માથા ગણાતા બે કનુભાઈ સહિત અનેક કોર્પોરેટરો, પૂર્વ સંગઠનના હોદ્દેદારો જોડાશે. કોંગ્રેસનું નિશાન પંજો છે પણ પંજાના નિશાનને વફાદાર રહેલા આ લોકો પક્ષને ‘બાય-બાય’ કહેવાના મૂડમાં હોવાની વાત બહાર આવતા રાજકિય ચહલપહલ મચી ગઈ છે.
‘કોંગ્રેસ મુક્ત ભારત’ અભિયાન સફળ થશે : ભાજપ
ભારતીય જનતા પાર્ટીની ચિંતન શિબીરમાં થયેલી ચર્ચા મુજબ ભાજપ ગુજરાતમાં એક સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને તોડી ભાજપનો ભગવો ખેસ પહેરાવાનું અભિયાન શરૂ કરનાર છે. ચારેબાજુના આક્રમણને કારણે ‘કોંગ્રેસ મુક્ત ભારત’ અભિયાન સફળ થશે એમ ભાજપના નેતાઓ માની રહ્યા છે. દરમિયાનમાં કોંગ્રેસમાં કનુભાઈ નામધારી બે મોટા નેતાઓ સહિત પૂર્વ સંગઠનના હોદ્દેદારો વર્તમાન કોર્પોરેટરો, જી.પં. સભ્યો, સહકારી આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના અનેક નેતાઓ ભાજપનો ભગવો ખેસ ધારણ કરે એ માટેની વાતચીત ચાલી રહી છે.
ભાવનગરમાં રાજકિય ઉથલપાથલના એંધાણ
બીજી બાજુ કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી અને પ્રદેશ આગેવાનો આ બાબત જાણતા હોવા છતાં આ નેતાઓને મનાવવાના મૂડમાં નહીં હોવાની વાત બહાર આવી છે. આમ આગામી દિવસોમાં પક્ષાંતરને કારણે ભાવનગર શહેર જિલ્લામાં રાજકિય ઉથલપાથલ ઊભી થાય તેવા એંધાણ છે. ભાજપ ઉપરાંત પટેલ સમાજના કોંગ્રેસના કેટલાક કાર્યકરો આપમાં પણ જોડાનાર હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.