પદ માટે ચર્ચા:શિક્ષણ સમિતિમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળાની જ પસંદગી: હવે હોદ્દા માટેની રેસનો થયેલો આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજય મકવાણા અને મહાવીર ડાંગર બન્ને ચેરમેન, વાઇસ ચેરમેનની રેસમાં

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં બિન-સરકારી અને સરકારી સદસ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થવાની લાંબા સમયથી રાહના અંતે ચર્ચામાં જ ન હોય તેવા નામો આજે જાહેર થયા છે. ભાજપ દ્વારા સરકારમાં મોકલાયેલા નામો જે આજે ગેઝેટમાં પ્રસિદ્ધ થયા છે તેમાં વિજયભાઈ મકવાણા અને મહાવીરભાઈ ડાંગરના છે. જે બંને પણ ભાજપ દ્વારા ગ્રેજ્યુએટ સાથે શિક્ષિત હોય તેવા જ શોધ્યા છે. આગામી દિવસોમાં શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેનની યોજાનારી નિમણૂકમાં પણ આ બન્ને નામો ચર્ચામાં છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે બિનસરકારી અને એક સરકારી સદસ્ય સાથે 15 સદસ્યોના નામ છેલ્લા લાંબા સમયથી જાહેર થયા નહીં. અંતે આજે ગેજેટ્સમાં જાહેર થતાં રાજકીય નિષ્ણાંતો પણ ગોથે ચડી ગયાં હતાં. અનેક રાજકીય ગોડફાધરોની આંગળી પકડી દોડતા કાર્યકરોના શિક્ષણ સમિતિમાં પ્રવેશવાના અરમાન પર પાણી ફરી વળ્યું હતું. અને ચર્ચામાં ના હોય તેવા નામ જાહેર થયા હતાં. બિનસરકારી સદસ્ય તરીકે વિજયભાઈ ગુણવંતભાઈ મકવાણા તથા મહાવીરભાઈ નારણભાઈ ડાંગર તેમજ સરકારી સદસ્ય તરીકે માજીરાજ ગલ્સંઁ હાઇસ્કુલના આચાર્ય પ્રિતિબેન બીપીનચંદ્ર સંઘવીની નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા શિક્ષણ સમિતિમાં અગાઉ 11 સભ્યોની પસંદગી કરી હતી તે તમામ ગ્રેજ્યુએટ હતાં. જ્યારે બિનસરકારી સદસ્ય તરીકે જે બન્નેની પસંદગી કરી છે તે બન્ને પણ ગ્રેજ્યુએટ જ છે. વિજયભાઈ મકવાણા બી.કોમ. છે. જેઓ બાલ્યાવસ્થાથી સંઘમાં સક્રિય છે. અને તેઓ સંઘમાં પ્રથમ વર્ષ શિક્ષિત પણ છે. સાથો સાથ બે ટર્મથી ભાજપમાં વોર્ડ મહામંત્રી અને બક્ષીપંચ મોરચામાં પણ મંત્રી તેમજ હાલમાં ઉપપ્રમુખની જવાબદારી નિભાવે છે.

જ્યારે મહાવીરભાઈ ડાંગર લોકભારતીના સ્નાતક અને એમ.એ.બી.એડ. છે. જેઓ બી.એમ.કોમર્સ હાઇસ્કુલના શિક્ષક અને સાથે સાથે શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સેવા બજાવે છે. આગામી દિવસોમાં મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળશે જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂંક થશે. આજે નિયુક્ત થયેલા બન્ને સભ્યો વિજયભાઇ અને મહાવીરભાઇ ઉપરાંત શિષિરભાઈ ત્રિવેદીનું નામ પણ ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...