વિવાદ:બેડમિંટન ટુર્નામેન્ટમાં સીડિંગનો વિવાદ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોશા ભટ્ટનો આક્ષેપ, ચેમ્પિયનના સીડિંગમાં અન્યાય થયો
  • કોરોનાકાળમાં ટુર્ના. રમાઇ નથી, સીડિંગ ન અપાય : એસો.

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેડમિંટન એસો. દ્વારા રમાડવામાં આવેલી ઓપન ભાવનગર બેડમિંટન ટુર્નામેન્ટના ડ્રોમાં સીડિંગ આપવામાં વિવાદ સર્જાતા છેલ્લી 3 ટુર્નામેન્ટોની ચેમ્પિયન ખેલાડીએ ભારે હ્રદયે વ્યક્તિગત ચેમ્પિયનશિપમાંથી પોતાની એન્ટ્રી પાછી ખેંચી હતી. જો કે એસો. દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે, કોઇ ખેલાડીને અન્યાય ન થાય તેની કાળજી લેવાઈ હતી.

સતત છેલ્લી ત્રણ ટુર્નામેન્ટોમાં તમામ ફોરમેટમાં ચેમ્પિયન બનેલી કોશા વિરાજભાઇ ભટ્ટે આક્ષેપ કરતા જણાવ્યુ હતુકે, ઓપન ભાવનગર બેડમિંટન ટુર્નામેન્ટ માટેનો ડ્રો પાડવામાં એસોસિએશન દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલી છે, અને નિયમાનુસાર અગાઉની ચેમ્પિયન ખેલાડીને સીડિંગ આપવામાં આવે છે તેમાં બંધ બારણે ડ્રો પાડી અને ટેલેન્ટેડ ખેલાડીને પાડી દેવાના હેતુથી ગોટાળા કરવામાં આવ્યા હતા. અન્યાય થવાને કારણે વિરોધ સાથે મેં વ્યક્તિગત ચેમ્પિયશિપમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે ડબલ્સમાં સાથી ખેલાડીને અન્યાય ન થાય તેવા હેતુથી રમી અને જોડી ચેમ્પિયન બની છે.

કોશા ભટ્ટના આક્ષેપોને નકારતા ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેડમિંટન એસોસિએશનના સેક્રેટરી સુનિલભાઇ ડોડીયાએ જણાવ્યુ હતુકે, લોકડાઉનના કારણે ટુર્નામેન્ટો રમાડવામાં આવી ન હતી, અને તેથી સીડિંગ આપી શકાય નહીં, ટેલેન્ટેડ ખેલાડીઓ સેમિ-ફાઇનલ સુધી સામ-સામે ટકરાય નહીં તેની ડ્રો પાડવામાં કાળજી લેવામાં આવી હતી, એસોસિએશન માટે તમામ ખેલાડીઓ એક સમાન હોય છે, કોઇને અન્યાય ન થાય અને લોકડાઉન પછી સ્પોર્ટ્સની પ્રવૃત્તિ આગળ ધપાવવાનું કામ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...