ચકાસણી:પાકિસ્તાનથી અલંગમા આવેલા શિપમાં DRI દ્વારા સર્ચ ઓપરેશન

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરાચી બંદરથી આવેલા શિપની કિંમતમાં ચેડા થયાની આશંકા
  • જૂના નવા MOA અને IGMની ઝેરોક્ષ સાથે લઇ ગયા

પાકિસ્તાનના કરાચી પોર્ટ ખાતેથી અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલું જહાજમાં વેચાણ કિંમતમાં અંડર ઇન્વોઇસ કરી અને સરકારી કરવેરા સાથે ચેડા કરવામાં આવ્યા હોવાની શંકાના આધારે ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)  જામનગર દ્વારા ભાવનગર અને અલંગમાં આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 61 એનબીએમ આયર્ન એન્ડ સ્ટીલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડના માલિક નઝીરભાઇ કલિવાલા દ્વારા 39462 મેટ્રિક ટનનું  શાંઘાઈ જાયન્ટ નામનું જહાજ 84 કરોડ રૂપિયામાં પ્રતિ ટન 285 અમેરિકન ડોલરના ભાવે ખરીદવામાં આવ્યું છે. શાંઘાઇ જાયન્ટ નામનું જહાજ 18મી મે ના રોજ પાકિસ્તાનના કરાચી બંદરથી અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યું હતું. 

આ અગાઉ આ જહાજ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 શ્રીરામ ગ્રુપ દ્દવારા  360 અમેરિકન ડોલર પ્રતિ ટનના ભાવે ખરીદવામાં આવ્યું હતું અને 21મી માર્ચે આઉટર એન્કરેજ માં લાંબો સમય પડી રહ્યું હતું અને જહાજની ડીલ ભાંગી પડતાં આ જહાજ પાકિસ્તાન જતું રહ્યું હતું. જે તે સમયના કેશ બાયર એન.કે.ડી. દ્વારા લંડનની કોર્ટમાં આર્બિટેશન કેસડિપોઝિટ માટે રજૂ કરવામાં આવ્યો હતો. બાદમાં આ જહાજ બેસ્ટ ઓએસિસ દ્વારા ખરીદવામાં આવ્યું હતું અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નંબર એનબીએ આયર્ન એન્ડ સ્ટીલ ટ્રેડિંગ પ્રા.લિમિટેડ ને વેચવામાં આવ્યું હતું. 

જહાજની જૂની અને નવી કિંમતમાં કરોડો રૂપિયાનો તફાવત હોવાથી ડીઆરઆઈને શંકા જતાં ભાવનગર, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ સહિતના સ્થળોએ આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જૂના અને નવા એમઓએ તથા આઇજીએમની કોપી હસ્તગત કરી છે અને આ કિસ્સામાં કોઇ સરકારી કરવેરાની ચોરી કરવામાં આવી છે કે કેમ તેની તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...