તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ બિલિંગ કૌભાંડ:2750 કરોડના બોગસ બિલિંગમાં મદદગાર કર્મીઓની શોધખોળ શરૂ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GST અધિકારીઓ, કર્મચારીઓના મેળાપીપણા વિના બધુ અશક્ય
  • હજુ વધુ પેઢીઓના ડેટા ચકાસણીમાં : સ્થળ ચકાસણી પણ ગતિમાં

ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં સ્ટેટ જીએસટીની સ્થાનિક ટુકડીઓ અને અમદાવાદ-સુરતના ઇન્સપેક્ટરોની બનેલી જુદી જુદી ટીમો દ્વારા 229 બોગસ પેઢીઓ શોધી કાઢી અને 2750 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ કર્યો હતો જેમાં 490 કરોડના વેરા સંડોવાયેલા છે. આવડું મોટું કૌભાંડ જીએસટીના અધિકારીઓ, કર્મચારીઓના મેળાપીપણા વિના શક્ય જ નહીં હોવાનું તંત્રને પણ ધ્યાને આવતા સરકારી કરવેરાને નુકસાન પહોંચાડવાના ષડયંત્રમાં સામેલ તમામ કર્મીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ સીજીએસટી દ્વારા પણ કરવામાં આવેલી પેઢીઓની સ્થળ ચકાસણી બાદની કાર્યવાહી ગતિમાં છે. અને આગામી દિવસોમાં કાંઇક મોટા ધડાકા થવાના એંધાણ પણ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવી જેવા સરકારી તિજોરીને સીધુ નુકસાન પહોંચાડવાના ષડયંત્રમાં છીંડા બતાવવાનું, આંખ આડા કાન કરવાનું, સરકારી કામગીરી ઢીલી રાખવાનું, કૌંભાડીઓને મદદ કરવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આ પ્રકરણમાં તાજેતરમાં બે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે.

સ્ટેટ જીએસટીના ઉચ્ચ અધિકારીઓને મળેલી માહિતીઓ અનુસાર, સ્થાનિક જીએસટીના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા જ ષડયંત્રકારોને પીઢબળ પુરૂ પાડવામાં આવી રહ્યું હતુ, અને ગેરરીતિ આચરનારા લોકોને નવા નવા નુસ્ખા પણ અધિકારીઓ દ્વારા જ બતાવવામાં આવી રહ્યા હતા, અને તેના બદલામાં આર્થિક લાભ મેળવી રહ્યા હતા.

તાજેતરમાં સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરમાં 322 પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી તે પૈકી 229 પેઢીઓ બોગસ મળી આવી હતી. તેનો સીધો અર્થ એ થાય છે કે જે તે સમયે આવી પેઢીઓના રજીસ્ટ્રેશન વખતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા, અને કૌભાંડીઓ સાથે મેળાપીપણું રચી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવેલું છે. સરકાર દ્વારા આવા સરકારી કર્મચારીઓને શોધવાનું કામ પણ આદરવામાં આવેલું છે.

ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીમાં શંકાસ્પદ પેઢીઓના ડેટા ચકાસવામાં આવી રહ્યા છે, અને આગામી દિવસોમાં વધુ પેઢીઓ સામેની કાર્યવાહીના સંકેતો સાંપડી રહ્યા છે. ભાવનગરમાં ક્યા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, તેની સીધી દેખરેખ હવે ગુપ્તરાહે ટોચના અધિકારીઓ દ્વારા પણ રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...