વિશેષ:ભારતમાં સ્કાઉટીંગનો આરંભ ભાવનગરમાં થયેલો

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં રાજસ્થાનના પાલીમાં સ્કાઉટીંગ જામ્બુરીમાં દેશ વિદેશમાંથી 50 હજાર સ્કાઉટવીરો જોડાયા હતા
  • ​​​​​​​ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ રાઉટીમાં રહેલા

તાજેતરમાં સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય જાંબુરીનો રાજસ્થાનના પાલી ખાતે યોજાયો અને તેમાં દેશ વિદેશમાંથી અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 50 હજાર જેટલા સ્કાઉટવીરો જોડાયા હતા જેમાં 35 હજાર આપણા દેશના અને 15 હજાર વિદેશમાંથી આ જાંબુરીમાં ભાગ લેવા આવ્યા હતા. આ સંદર્ભમાં રસપ્રદ વાત જોઈએ તો આજથી 100 વર્ષ પહેલા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સગીર વયના હતા ત્યારે ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના અધ્યક્ષ પદે એક કમિટીની રચના થયેલી અને બાલ્ય વયના કૃષ્ણકુમારસિંહજીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તે માટે સ્કાઉટીંગની તાલીમ આપવા કેટલાક લોકોને તાલીમ લેવા ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. એમાં મુખ્ય હતા શિવપ્રસાદ બુચ જમણે ભાવનગર પરત કર્યા પછી પદ્ધતિસર તાલીમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આપી હતી.

કેનેથ પોવેલે સાઉથ આફ્રિકામાં ઇ.સ.1893માં સ્કાઉટીંગની પ્રવૃત્તિઓની શરૂઆત કરી તે સૌપ્રથમ હતા અને તેના માત્ર 30 વર્ષમાં જ ભાવનગર શહેર એટલે કે જુના ભાવનગર રાજ્યમાં સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ શરૂ થયેલી આ સમય દરમિયાન કેમ્પ ફાયરનું આયોજન પણ કરવામાં આવતું આ રીતે સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં સમગ્ર ભારત દેશમાં ભાવનગર સૌપ્રથમ રહ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા સર પ્રભાશંકર પટ્ટણી પરિવારના પીયુષભાઈ પારાશર્યએ જણાવ્યું હતું કે ભાવનગરમાં એ સમયમાં ત્રણ દિવસ કેમ્પ ફાયર અને જાંબુરીનું આયોજન કરાયું હતું. આજે જ્યાં બાલ પમરાટનો ડોમ છે ત્યાં ત્રણ જુદી જુદી રાઉટી હતી, તેમાં એકમાં કૃષ્ણકુમારસિંહજી રહેલા, બીજી રાઉટીમાં સર પ્રભાશંકર પટ્ટણી રહેલા અને ત્રીજી રાઉટીમાં કૃષ્ણકુમારસિંહજીનો સ્ટાફ રહ્યો હતો. સારા વહીવટી કૃષ્ણકુમારસિંહજીને સર પ્રભાશંકર પટ્ટણીએ આ રીતે સ્કાઉટીંગની તાલીમ આપી ખડતલ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું હતું. ભારતભરમાં સૌપ્રથમ ભાવનગર શહેર અને ભાવનગર રાજ્યમાં સ્કાઉટીંગની પ્રવૃત્તિઓ સઘન રીતે શરૂ થઈ હતી.

પ્રભાશંકર પટ્ટણી બાદ દીવાન પદે આવેલા તેમના પુત્ર અનંતરાય પટ્ટણીએ પણ સ્કાઉટિંગથી પ્રજાને ખડતલ બનાવવાની જ્યોત પ્રજ્વલિત રાખી હતી અને ઇ.સ.1953-54માં સ્કાઉટીંગની પ્રવૃત્તિએ ભાવનગરમાં નવા રંગ રૂપ ધારણ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં રાજસ્થાનના પાલી ખાતે નેશનલ કક્ષાનો સૌથી મોટો સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિનો કેમ્પ એટલે કે જાંબોરી યોજાયેલો જેમાં ભાવનગરના 24 સહિત રાજ્યના 400 સ્કાઉટ ગાઈડો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...