ગોલમાલ:ટાર્ગેટ પુરો કરવા વેક્સિનના કેન્દ્રોમાં ગોટાળા, 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલાને આપી રસી!!

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિહોર તાલુકાના વરલ ગામે વેક્સિનેશ સર્ટીફિકેટમાં બહાર આવેલો ચોંકાવનારો કિસ્સો
  • વશરામભાઈ જાની મૃત્યુ પામ્યા હોવા છતાં તેને રસી આપ્યાનું દર્શાવી નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું સર્ટી પણ ઈસ્યુ કરાયું

વેક્સિનેશન માટે લોકજાગૃતિનો અભાવ હોવાથી ટાર્ગેટ પુરા થતા નથી ત્યારે ટાર્ગેટ પુરા કરવા માટે મૃતક વ્યક્તિઓના પાનકાર્ડ, આધારકાર્ડનો ઉપયોગ કરીને વેક્સિન લીધી હોવાનું રેકર્ડ પર બતાવી દેવામાં આવે છે. સિહોર તાલુકાના વરલ ગામે 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલા એક શખ્સને નામે વેક્સિનેશન સર્ટીફિકેટ નીકળતા સમગ્ર મામલો બહાર આ‌વ્યો છે.આ અંગે મળતી વિગત મુજબ સિહોર તાલુકાના વરલ ગામે ગઈ તા.15 જૂને વશરામભાઈ રવજીભાઈ જાની (ઉં.વ.45)નામની વ્યક્તિએ રસી લીધી હોવાનું સર્ટીફિકેટ બનાવવામાં આવ્યું છે. હવે આ વ્યક્તિ વશરામભાઈ 20 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે.

તેમના પૌત્રએ સોશ્યલ મિિડયામાં આ સર્ટીફિકેટની નકલ મુકી સાથોસાથ કોમેન્ટ કરી છે કે,‘મારા દાદાને મૃત્યુ પામ્યાને 20 વર્ષ જેવો સમય થયો હોવા છતાં તંત્રએ એમને કોવિડની વેક્સિન આપી દીધી. એમને પાનકાર્ડ હતું એ પણ આજે ખબર પડી.’આ બનાવમાં વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો કરવા માટે આ ગેરરીતિ કરનાર સામે પગલા લેવાને બદલે તંત્ર દ્વારા બનાવનો ઢાંકપિછોડો કરવા માટે હવાતીયા મારવામાં આવી રહ્યા છે. આવા બનાવની તટસ્થ રીતે તપાસ થાય તો આવા એક નહીં અનેક ભુતીયા લોકોને વેક્સિન આપવાનું રેકર્ડ પર દર્શાવાયું હોવાનું બહાર આવે તેવી શકયતા છે. રસીકરણ માટે અગાઉ પણ આવા છબરડા બહાર આવી ચૂક્યા છે.

સોફટવેરમાં ટેકનિકલ પ્રોબ્લેમ હોય શકે, તપાસ કરીશું
વરલ ગામે વેકસિનેશનમાં ખરેખર વેકસિન લેનારને બદલે અન્યનું સર્ટીફીકેટ નિકળ્યુ હોય તે અંગે તપાસનો વિષય છે પરંતું રસીકરણ અંગેનો સોફટવેર આખા દેશમાં ચાલે છે કયાંક સોફટવેર પ્રોબ્લેમ હોય શકે.રસીકરણની કામગીરી એટલી બધી રહે છે કે હ્યુમન એરર (માનવીય ભુલ) પણ હોય શકે પરંતું આ બાબતની તપાસ કરી જે કંઇ હશે તે યોગ્ય કરાશે. - એ.કે.તાવીયાડ, ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી,જિ.પં.ભાવનગર

સરકારને બદનામ કરવા કોઈએ પોર્ટલમાં સુધારો કર્યો
15-6-2021 નાં રોજ વરલ ખાતે વશરામભાઇ રવજીભાઇ જાની નામનાં કોઇ વ્યક્તિએ વેકિશનેશન કરાવેલ નથી. તેમજ જે સર્ટિફિકેટની વાત છે તે સરકારી પોર્ટલ પર સુધારો કરી શકાયની જોગવાઇ હોઇ, જેમાં જન્મ વર્ષ તેમજ નામ વગેરે સુધારો કરી શકાય. જે કોઇ વ્યક્તિએ આ રસીકરણના સર્ટીફિકેટમાં પોતાની રીતે સુધારો કરી સરકારને બદનામ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. - જયેશ વંકાણી, આરોગ્ય અધિકારી, સિહોર

​​​​​​​વશરામભાઈના પૌત્ર હર્ષદે કહ્યું, ‘છાપામાં કાંઈ ન લેતા’
આ મામલે વશરામભાઈના પૌત્ર હર્ષદભાઈનો મો.નં. 9904727082 પર સંપર્ક કરતા પહેલા આ બનાવને સમર્થન આપ્યું પણ પછી એકદમ ગભરાઈ જઈ છાપામાં કાંઈ ન લેતા એવી વિનંતી કરવા લાગ્યા હતા. સોશ્યલ મિડિયામાં આ વિગત મુકાયા બાદ તેમના પરિવાર પર દબાણ આવ્યું હોવાની ચર્ચા છે.

નાનકડા એવા વરલ ગામમાં જાની અટક ધરાવતું કોઈ રહેતું જ નથી
બાર હજારની વસ્તી ધરાવતા વરલ ગામમાં જાની અટક ધરાવતો કોઈ પરિવાર રહેતો નથી. વર્ષો પહેલા મહુવા તાલુકાના કોઈક ગામના વશરામભાઈ જાનીએ વરલ ગામમાં જમીન લીધી હતી પણ છેલ્લા કેટલાય વર્ષોથી વરલ ગામમાં જાની અટકધારી કોઈ રહેતું જ નથી. - લાલાભાઈ ગોબરભાઈ પરમાર, વરલ

અન્ય સમાચારો પણ છે...