તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં બાળકોની અનોખી બેંક:ખિસ્સા ખર્ચમાંથી15 લાખની બચત કરી; બાળકોના ઘડતર-ચણતર માટેનો અનોખો પ્રયાસ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોએ 1થી 2% રકમ મોજશોખ માટે ઉપાડી તો 98% રકમ પુસ્તકો, ફી, સારવાર માટે ઉપાડી

ભાવનગર શહેરમાં પારૂલબહેન શેઠની સંસ્થા શૈશવ પ્રેરિત બાલસેનાના બાળકોનો અનોખો બચત પ્રવૃતિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. શૈશવ પ્રેરિત બાળકોના સ્વાયત સંગઠન બાલસેના બાળકોના વિકાસની સાથોસાથ જીવનમૂલ્યો અને ઘડતર માટે અનેકવિધિ પ્રવૃતિઓ સાથે કાર્યરત છે. બાલસેનાના ઉપક્રમે બાળકોની પોતાની બચત બેંક પ્રવૃતિ છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે.

ભાવનગરના વંચિત વિસ્તારોમાં રહેતા બાળકોને અનેક સપના હોય ઘણું બધુ કરવું હોય પણ આર્થિક ટેકો ન મળતા પાછા પડે રોજેરોજ સંઘર્ષ કરીને જીવતા કુંટુંબોને પોતાના બાળકો પ્રવાસ કરે ભણે આગળ વધે કે સાઇકલ ખરીદે તેમ ઈચ્છા થાય પણ મર્યાદિત આવકમાં શું કરવું પૈસાની સહાય મેળવવામાં સપનાનો ભોગ આપવો પડે આ વિચારણામાંથી બાલસેનાના બાળકોએ પોતે સ્વયં બચત પ્રવૃતિ શરૂ કરી.

પારૂલબહેન શેઠે આવા બાળકો માટે તેઓને ઘરમાંથી વાપરવા મળતી નાની રકમ કે કોઈ સગાસંબંધી તરફથી મળેલીઓ આ રકમ બાળકો ભેગી કરે અને શૈશવના કાર્યકરોની મદદ મળતા વ્યવસ્થિત રીતે પાસબુક અને વિસ્તારના રજીસ્ટરો લઈ બચત પ્રવૃતિનો આરંભ કર્યો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ બાળકો કરકસરનું મૂલ્ય શીખે પૈસાનું મહત્વ સમજે ક્યાં વાપરવા અને ન વાપરવા એનો વિવેક શીખે બાળકો પોતાની બચતના રૂપિયો - બે રૂપિયા દસ રૂપિયા જમા કરાવે અને જેમને જરૂરી છે તેઓ એ જરૂરિયાત મુજબ ઉપાડના ફોર્મ ભર્યા હોય તેઓને ઉપાડની રકમ ઘર આંગણે મળે આ જમા મળેલ બચતના સરવાળો કરી સ્ટેટબેંકમાં જમા કરાવવામાં આવે. આ બચત પ્રવૃતિની અસર એ થઈ કે કેટલા બધા બાળકોનો અભ્યાસ નિયમિત થઈ ગયો! આર્થિક મુંઝવણને લીધે અભ્યાસ છોડતા બાળકો સ્વમાનભેર પોતાની બચતમાંથી પોતાનો અભ્યાસ કરી રહ્યા છે.

17 વર્ષના પરિણામો અત્યંત પ્રોત્સાહનજનક અને પ્રેરણારૂપ છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેન્કના ટીમ કાર્યરત છે તેના રૂપિયા 15 લાખ જેટલી રકમની બચત કરી અને તેમાંથી પોતાની જરૂરિયાતો માટે રૂપિયા 14 લાખ જેટલી રકમ ઉપાડી છે. સંસ્થા દ્વારા ઉપાડના કારણોનું દર વર્ષે વિશ્લેષણ પણ કરવામાં આવે છે અને બાળકો કેવી જવાબદારીનું અદભુત ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે. 1 થી 2% જેટલી જ રકમ બાળકો પોતાના મોજ શોખ માટે ઉપાડે છે જ્યારે લગભગ 98% રકમ શૈક્ષણિક સાધન પુસ્તકો માટે દવા-સારવાર માટે સાયકલ ખરીદવા કે પ્રવાસ માટે કે ઘરમાં ઉપયોગી થવા માટે ઉપાડતા હોય છે.

બચત કરી રીનાએ વિદ્યાપીઠમાંથી ડિગ્રી મેળવી
રીના ભાવનગરના વંચિત વિસ્તારમાં રહે. તેણે જણાવ્યું હતુ કે ‘શૈશવમાં ધો.5માં ભણતી હતી ત્યારથી જોડાયેલી, બાલસેના-તરુણસેનામાં રહીને રમતાં-રમતાં જીવનની અમૂલ્ય વાતો શીખી છું સ્વ-જાગૃતિ, નિર્ણય કરવા, આગળ વધવું વગેરે. હું ટીપે ટીપે બરોબર ભરાય એમ બચત પણ કરતી, એ બચતમાંથી મારી ભણવાની ફી ભરું, મારી જાતે ભણીને આગળ વધી શકી. ગુજરાત વિદ્યાપીઠમાં જઈને સ્નાતક પછી જર્નાલીઝમની ડીગ્રી મેળવી. આજે બહેનો-કિશોરીઓના સ્વ-રક્ષણ માટેની વિશેષ વેનલીડો તાલીમમાં હું મદદનીશ તરીકે પણ જોડાઉ છું, મારું સપનું તેના તાલીમકાર થવાનું છે’

‘મમ્મી ચિંતા ન કરતી, બેન્કમાં મારી બચત છે’
કુસુમને ધો.11માં આગળ અભ્યાસ કરવો હતો, શાળા દૂર હતી, રોજે રોજ રીક્ષા કે બસભાડા પરવડે નહીં શું કરવું? પોતાની બચતની રકમ ઉપાડી સાયકલની ખરીદી કરી. તો વળી જસ્મીનને શાળામાં ફી ભરવામાં મોડું થયું હતું. નામ કમી થાય તેમ હતું. ઘરમાં સગવડ ન હતી. મમ્મી મૂંઝાતા હતા. ત્યાં જસ્મીને મમ્મીને સધિયારો આપ્યો, ચિંતા ન કર... મારી બચતની રકમ છે તેમાંથી ફી ભરીએ અને ફી ભરાઈ ગઈ.

અન્ય સમાચારો પણ છે...