સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર મહાનગરપાલિકાનાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનાં સહયોગથી ઘન કચરાના નિકાલ તથા સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જનાં વિજેતાઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર એન.વી. ઉપાધ્યાયે વિશેષ હાજરી આપી હતી. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર મનપાના સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટના સહયોગમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાર્તાલાપ યોજાયો હતો.
ભાવનગરને ઝીરો વેસ્ટ સિટી બનાવીએ
મ્યુનિસિપલ કમિશ્નર એન.વી. ઉપાધ્યાયએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં જે જગ્યાએ કચરો ઉત્પન્ન થતો હોય ત્યાં સુકો અને ભીનો કચરો જુદો પાડવો જોઈએ. કારણ કે, બંને કચરા ભેગા થઈ જાય તો જુદા પાડવા મુશ્કેલ બને છે. સુકા અને ભીના કચરા માટે અલગ અલગ સેન્ટર છે, જેથી રી-પ્રોસેસિંગ કરવું સહેલું પડે. વેસ્ટમાંથી શું શું થઈ શકે તેની માહિતી આપી. કચરાને ગમે ત્યાં ફેંકવાના કારણે ગંદકી ફેલાય છે અને માખી મચ્છરનો ઉપદ્રવ થાય છે. તેથી ભાવેણાના સૌ નાગરિકો આ બાબતમાં ખુબ જ સજાગ બને અને ભાવનગરને ઝીરો વેસ્ટ સિટી બનાવીએ જેથી ડિસ્પોઝલનો પ્રશ્ન જ ન આવે તેવી નાગરિકોને અપીલ કરી છે.
સ્વચ્છ ભાવનગરના મિશનમાં યોગદાન આપવા અનુરોધ
આ પ્રસંગે ચેમ્બરના ઉપ-પ્રમુખ પ્રકાશ ગોરસીયાએ ભાવનગરને આવા કર્તવ્યનિષ્ઠ મ્યુનિસિપલ કમિશ્નર મળ્યા છે, તો ભાવેણાનાં તમામ નાગરિકો તેમને સહયોગ આપી અને સ્વચ્છ ભાવનગરના મિશનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો. આ પ્રસંગે સોલિડ વેસ્ટ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય હરિયાણી તથા દીપકભાઈએ ઘન કચરાના નિકાલ અંગે તથા સ્વચ્છતાનાં કારણે થતાં ફાયદાઓની સૌને જાણકારી આપી હતી.
વિજેતાઓને સ્મૃતિચિન્હ અર્પણ
આ પ્રસંગે ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જનાં વિજેતાઓને ઉપસ્થિત મહાનુભવોના વરદહસ્તે સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા પૂછાયેલ પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તર તથા આવેલ સૂચનોની નોંધ કમિશનર દ્વારા લેવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બરના હોદ્દેદારો, મેનેજિંગ કમિટીના સભ્યો, વેપાર- ઉદ્યોગને સલગ્ન વિવિધ એસોસિએશનનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ ચેમ્બરનાં માનદ્દ મંત્રી કેતન મહેતાએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.