ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આવતીકાલ તારીખ 17 મેના રોજ સવારે પ્રસિધ્ધ થવાની જાહેરાત બાબતે બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ સમાચાર અફવા છે અને આ યાદી કોઈ રીતે સત્તાવાર નથી. હજી બોર્ડ દ્વારા આ બંને ધોરણના પરિણામ અંગે કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી.
એકાએક વહેતી થયેલી આ અફવાને લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા અને ચિંતાતુર રીતે પૂછપરછ શરૂ કરી હતી પણ અંતે આ વાયરલ થયેલા સમાચાર માત્ર અફવા હોવાનું સાબિત થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે આજે બોર્ડના ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહની માર્ચ-2022માં લેવાયેલી પરીક્ષાના પરિણામ તારીખ 17 મેને મંગળવારે સવારે 08:00 કલાકે પ્રસિદ્ધ થશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પર વહેતી થઇ હતી.
પરંતુ આ યાદી તદ્દન બનાવટી હોવાનું અને આ વાયરલ થયેલ પરિણામની તારીખ માત્ર અફવા છે જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યો એ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 17 મેના રોજ જાહેર થવાનું નથી તેની ખાસ નોંધ લેવા બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું છે. વધુમાં જણાવાયું છે કે બનાવટી અખબારી યાદી વાયરલ કરનાર ઇસમ સામે બોર્ડ દ્વારા સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવાની કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.