પ્રદુષણ પ્રશ્ને શાહમૃગવૃતિ:શાસકોની નિષ્ક્રીયતાએ નદીઓને કરી મેલી, દીર્ઘદ્રષ્ટિનો અભાવ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનું પ્રદૂષિત પાણી ઠલવાય છે નદી અને દરિયામાં, જીલ્લા પંચાયત નિયંત્રિત 75% ગ્રામ પંચાયતો ભાજપ સમર્થિત
  • પ્રસિદ્ધિમાં મહાલતા શાસકોની પ્રદુષણ પ્રશ્ને શાહમૃગવૃતિ
  • પાલિકાઓમાં​​​​​​​ પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ધાંધિયા, ગ્રામ પંચાયતોમાં ડ્રેનેજના નિકાલની કોઇ વ્યવસ્થા જ નહીં

ભાવનગર સહિત ગુજરાત રાજ્યના વિકાસની વાતો શાસકો નિત નવા સ્વરૂપે લોકો સમક્ષ મૂકી રહ્યા છે. પરંતુ વિકાસની પારાશીશી નક્કી નથી. સમગ્ર ભાવનગર જિલ્લાનું ગટરનું પ્રદૂષિત પાણી દરિયા તળાવ અને નદીમાં ઠાલવી ગંભીર ગુનો કરે છે. તમામ ગ્રામ્ય અને તાલુકા પંથકના રહેણાંકી તેમજ ઔદ્યોગિક એકમોના ગંદા પાણીથી નદી તળાવ મેલા થઈ રહ્યા છે.

જળચર પ્રાણીઓ અને નદી તળાવનો વપરાશકરતા લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. છતાં તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી. ભાજપ શાસિત ભાવનગર જિલ્લા પંચાયતનું ગ્રામ પંચાયતો પર નિયંત્રણ છે. અને 75 ટકાથી વધુ ગ્રામ પંચાયતો ભાજપ સમર્થિત છે. ત્યારે અર્બન ડેવલોપમેન્ટના નામે પણ મીંડુ છે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય અને પદાધિકારીઓ વિકાસના નામે ડ્રેનેજ લાઈન અને પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરવા જાય છે. પરંતુ આ ડ્રેનેજનું પાણી ક્યાં છો છે તેનો તેઓને જરાય અંદાજ નથી. જિલ્લામાં એક પણ ગ્રામ પંચાયતમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. જેથી ડ્રેનેજનું ગંદુ પાણી નજીકની નદી, તળાવ, નાળા કે દરિયામાં વહેવડાવે છે.

નદી તળાવ ને દરિયાને પ્રદુષિત કરી રહ્યા છે. નિયમોનુસાર વરસાદી પાણી ડ્રેનેજ લાઈન મારફતે નદી કે તળાવમાં નાખવુ જોઈએ. પરંતુ સૌચાલયનું ગંદુ પાણી ડ્રેનેજ મારફતે નદી તળાવમાં નાખવામાં આવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સમયાંતરે નોટિસો આપી મન મનાવવામાં આવે છે. ઔદ્યોગિક એકમોને પણ છાવરવામાં આવે છે.

ભાવનગર કોર્પોરેશન વિસ્તારની વસ્તી મુજબ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા નથી. જેથી કોર્પોરેશનનું પણ ગંદુ પાણી હાલમાં દરિયામાં ઠલવાય છે. ભિકડા કેનાલમાં શૈક્ષણિક સંકુલોના ડ્રેનેજના પાણી છોડવામાં આવે છે. જેથી બોર તળાવમાં પણ પ્રદૂષિત પાણી ભળે છે.

ઔદ્યોગિક એકમોનું પણ પાણી ઠલવાય છે
ભાવનગર જિલ્લાના રહેણાંકી વિસ્તારો ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ એકમોના પણ કેમિકલયુક્ત પાણી અને ગંદકી નદીઓમાં ઠાલવવામાં આવે છે. જેમાં ખાસ કરીને મામસા, અવાણીયા, નવાગામ, કરદેજ, વરતેજ, અકવાડા, ઘાંઘળી, સિહોર, ગુંદાળા, નેસવડ, અલંગ, રાજપરા, ઉખરલા, નેસડા સહિતના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોના પાણી નદી અને દરિયામાં વહે છે. અને તેને કારણે જળચર પ્રાણીને તો નુકશાન થાય છે પરંતુ પીવાના ઉપયોગમાં લેતા લોકોને પણ ગંભીર નુકશાનકારક છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની નજર ગુજરાત પર
પાણી, હવા કે અન્ય રીતે પ્રદુષણ ફેલાવતા અને પર્યાવરણને સાચવવામાં ગંભીર બેદરકારી દાખવતી સરકાર પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કડકાઈ દાખવી રહી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ના ઉલ્લંઘન બદલ 12000 કરોડનો દંડ ફટકાર્યો હતો. પશ્ચિમ બંગાળને 3500 કરોડનો દંડ અને લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનને 100 કરોડ ડિપોઝિટ ભરવાનો હુકમ થયો છે.

કેમિકલયુક્ત પાણીથી કાળિયારના મોત થયા
કાળિયાર અભયારણ્ય આસપાસ કાળુભાર, ઘેલો, કેરી, ઉતાવળી, પાડલીયા અને માલેશ્રી નદી વહે છે. નારી થી અધેલાઇ ભાલ પંથકમાં ચોતરફ ચાલીસ કિલોમીટરમાં કાળિયાર વિહાર કરતા હોય છે. આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નદીમાં છોડાતાં પ્રદૂષિત પાણીને કારણે કાળિયાર પર ખતરો ઊભો થાય છે. ચાર-પાંચ વર્ષ પહેલા કેમિકલના પાણીથી 4 કાળિયારના મોત નિપજયા હતા. જે સંદર્ભે પોલીસ કેસ પણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...