ગુજરાત રાજ્યમાં રાઇટ ટૂ એજ્યુકેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યા બાદ દર વર્ષે પ્રવેશ માટેની કાર્યવાહી મોડી થતા દર વર્ષે 60 ટકા કે તેનાથી વધુ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. આ વર્ષે ભાવનગર શહેરમાં આરટીઇ માટે પ્રવેશની જે અરજી આવી હતી તેમાં ચકાસણી કરાયા બાદ શિક્ષણ તંત્ર દ્વારા બરાબર ચકાસણી કરીને કુલ 3028 વિદ્યાર્થીઓને એડમિશન માટે લાયક ગણવામાં આવ્યાં હતા.
પરંતુ જ્યારે પ્રવેશ માટે ખરેખર કાર્યવાહી થઇ તેમાં પ્રથમ રાઉન્ડને અંતે 888 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે અને હજી બીજા રાઉન્ડમાં 122 મળીને બે રાઉન્ડમાં માત્ર 1000 લાયક છાત્રોને જ ખાનગી શાળામાં ધો.1માં પ્રવેશ મળતા બાકીના 2,028 લાયક વિદ્યાર્થીઓ પૂરતી લાયકાત હોવા છતાં તેમજ પસંદગી પામ્યા હોવા છતાં એડમિશનથી વંચિત રહી જશે. આ વર્ષે શહેરમાં 66.97% વિદ્યાર્થીઓ પૂરતી લાયકાત છતાં પ્રવેશ વંચિત રહેશે.
આવી સ્થિતિ ગ્રામ્ય-જિલ્લા ક્ષેત્રે પણ છે જ્યાં પણ 60 ટકાથી વધુ પ્રવેશ લાયક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહી જવાના છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે તેઓ પણ મોડા પ્રવેશને લીધે વર્ગ શિક્ષણના બે-ત્રણ માસ ગુમાવે છે.
63,610 બાળકોને પ્રવેશથી વંચિત રહેતા કેસ કરેલો
થોડા સમય પહેલા આરટીઇ જોગવાઈના ઉલ્લંઘન મુદ્દે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. આ કેસમાં ગરીબ પરિવારના બાળકોને પ્રવેશથી વંચિત રાખવા માટે રાજ્ય સરકારની વેબસાઇટમાં પહેલા ધોરણના વર્ગખંડોની ક્ષમતા દર્શાવતા આંકડામાં ચેડાં કરાયેલાં છે.
પહેલા ધોરણમાં ગરીબ પરિવારના 63,610 બાળકોને પ્રવેશ આપવાની માગણી કરતી અરજીના મુદ્દે રાજ્ય સરકારનો જવાબ માગ્યો હતો. સરકારે ખાનગી શાળાઓમાં વર્ગખંડોની સાચી ક્ષમતા છુપાવી હતી. અરજદારે રાજ્ય સરકારના કમ્પ્યુટરો અને સર્વરની ફોરેન્સિક વિભાગ દ્વારા ચકાસણી કરાવવાની પણ માગણી કરી હતી. > સંદીપ મુંજ્યાસરા, અરજીકર્તા, સુપ્રીમ કોર્ટ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.