એજ્યુકેશન:RTE : ધો.1માં વિનામુલ્યે પ્રવેશની 1919 બેઠક માટે 9270 ફોર્મ ભરાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બેઠક માટે 5 વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા
  • ભાવનગર શહેરમાં એડમિશન માટે ભરાયેલા 5611 પૈકી 4118 ફોર્મ મંજુર, જિલ્લામાં 3659 ફોર્મ ભરાયા

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં કુલ પ્રવેશ ક્ષમતાના 25 ટકા મુજબ વિનામૂલ્યે એડમિશન માટે નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે છે. ચાલુ વર્ષે 30 માર્ચથી જ આરટીઆઇમાં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ થવાની સાથે ગઇ કાલ સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 9270 ફોર્મ ભરાયા છે. જ્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓમાં કુલ પ્રવેશ ક્ષમતા 1919ની છે. આરટીઇ અંતર્ગત ફોર્મ ભવાની પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઇ હતી. આમ કુલ એક પ્રવેશ માટે સરેરાશ 5 વિદ્યાર્થીઓ માટે એડમિશનની સ્પર્ધા જામશે.

ભાવનગર શહેરમાં કુલ 5611 પ્રવેશ ફોર્મ ભરાયા હતા અને તેની સામે 4118 ફોર્મ મંજૂર થઇ ગયા છે. જ્યારે ચકાસણીના અંતે 373 ફોર્મ ખોટા ડોક્યુમેન્ટના કારણે રિજેકટ કરાયા, 382 ફોર્મ અધૂરા ડોક્યુમેન્ટના કારણે કેન્સલ કરાયા હતા. જ્યારે 295 ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. આમ કુલ 4118 ફોર્મ મંજૂર કરાયા છે.

આમ હવે મંજૂર થયેલા ફોર્મ ઉપર ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ગત વર્ષે શહેરમાં આરટીઆઇમાં પ્રવેશ માટે અંદાજે 3500થી વધારે ફોર્મ ભરાયા હતા. ભાવનગર જિલ્લામાં આરટીઇ અંતર્ગત કુલ પ્રવેશ ક્ષમતા 861 બાળકોની છે જે માટે આ વખતે જિલ્લામાં કુલ 3659 ફોર્મ ભરાયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં ધો.1માં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને તકવંચિત બાળકો માટે જે 1919 બેઠકો છે તે માટે 9270 ફોર્મ ભરાયા છે.

26 એપ્રિલે પરિણામ જાહેર કરાશે
આ ફોર્મ ભરાયા છે તેનું પરિણામ આગામી તા.26 એપ્રિલના રોજ જાહેર કરાશે. ઓનલાઇન પરિણામમાં જે તે લાયક અને પ્રવેશપાત્ર વિદ્યાર્થીને શાળા ફાળવણી કરાશે. આ પૂર્વે તા.17થી 19 એપ્રિલ દરમિયાન વિદ્યાર્થીઓ જેઓનો પ્રવેશ અધૂરી માહિતી કે ખોટી માહિતીને લીધે રદ થયો હશે. તેઓને માહિતી સુધારવાની તક આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...