સ્વચ્છતા અભિયાન:મહુવાને મોડેલ શહેર બનાવવા પિડીલાઇટ આપશે રૂ.5 કરોડ, તમામ કચરો વોર્ડ વાઇઝ એકત્ર કરી નિકાલ કરાશે

મહુવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​કચરાને એક સાઈટ પર એકઠો કરી છુટ્ટો પાડી વિવિધ મશીન દ્વારા સાફ કરીને પ્લાસ્ટિકના દાણા બનાવાશે

મહુવાને સ્વચ્છ અને સુંદર બનાવવા ચર્ચા-વિચારણા કરવા નગરપાલિકા હોલમાં મીટીંગનું આયોજન થયેલ. જેમાં રીઝીયોનલ કમિશનર દહીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ હેતુને સાકાર કરવા નગરપાલિકાને હવે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ પ્રાપ્ત થશે. પીડીલાઇટ ઇન્ડ.ના ચેરમેન મધુકરભાઇ પારેખના માર્ગદર્શન અને રૂા5 કરોડના ખર્ચ અન્વયે મહુવાને મોડેલ શહેર બનાવવાના આ ઉમદા હેતુને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડો. ઉમેશભાઇ જોશીએ સમગ્ર પ્રોજેક્ટની માહિતી આપેલ.

આ તબક્કે નગરપાલિકાની વિવિધ કમીટીના ચેરમેનો અને ભા.જ.પ. સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.મંત્રી આર.સી.મકવણાએ જણાવેલ કે, મધુકરભાઇ મહુવામાં ઘણું યોગદાન આપી રહ્યાં છે. ચીફ ઓફિસર સંજયભાઇ પટેલે મીટીંગનો હેતુ સમજાવેલ આ તબક્કે રિજીયોનલ કમિશનર દહીયાએ પોતાના તરફથી તમામ સહકારની ખાત્રી આપી હતી જયારે ભાજપ પ્રમુખ રજનીભાઇ ઠાકરે આ કાર્યમાં સમાજનો દરેક વર્ગ સહયોગ આપશે તેમ જણાવેલ. મીટીંગમાં નક્કી થયા મુજબ મહુવામાંથી તમામ કચરો વોર્ડ વાઇઝ એકત્ર કરી કંપોસ્ટ સાઇટ ઉપર મોકલવામાં આવશે.

જયાં મશીન દ્વારા છુટ્ટો પાડી પ્લાસ્ટીકને વિવિધ મશીન દ્વારા ધોઇ સાફ કરીને પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવશે અને બીન ઉપયોગી પ્લાસ્ટીકમાંથી બ્લોક બનાવવામાં આવશે. પ્લાસ્ટીક સિવાયના કચરા માંથી વૈજ્ઞાનિક પધ્ધતિથી ખાતર બનાવવામાં આવશે. આ માટે નગરપાલીકાએ માત્ર જગ્યા, પાણી, ફેન્સીંગ અને વીજળીની સુવિદ્યા આપવાની રહેશે. પીડીલાઇટ સરકારની અધિકૃત એજન્સી શક્તિ પ્લાસ્ટીકને કોન્ટ્રાકટ આપશે અને જરૂરી બાંધકામ, રોડ, મશીનરી તથા આ બધુ ચલાવવા રૂ. 5 કરોડ જેટલી રકમની ફાળવણી કરશે.

આ પ્રોજેક્ટ માટે કમિટિની રચના પણ વિચારવામાં આવી છે. જેમાં બે-બે પ્રતિનિધિ બન્ને સંસ્થાના અને ચીફ ઓફિસરનો સમાવેશ કરવામાં આવશે. મહુવાને સ્વચ્છ અને સુંદર બનાવવા હવે માત્ર નગરપાલિકા અને પીડીલાઇટ વચ્ચે એમ.ઓ.યુ. કરવા ગતિવિધિ ચાલી રહી છે. આવી રીતે મહુવામાં સ્વચ્છતા અભિયાન થકી અેક મોડેલ સિટી તરીકે વિકસાવવાનો પ્લાન છે તેમાં પીડીલાઈટ કંપની રૂપિયા 5 કરોડના એમ.ઓ.યુ. મહુવા નગરપાલિકા સાથે કરશે.

અન્ય સમાચારો પણ છે...