બજારોમાં ધસારો:ભાવનગરની બજારોમાં દિવાળીની ખરીદીની ચમકથી છવાયેલી રોનક

ભાવનગર2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય બજારો, શોપિંગ મોલ, બ્રાન્ડેડ કપડા શો રૂમ્સ વગેરે સ્થળોએ ચિક્કાર ભીડ

આવતી કાલ તા.2 નવેમ્બરને મંગળવારે ધન તેરશ હોય હવે સૌ કોઇને પગાર, બોનસ થઇ જતા શહેરમાં દીપોત્સવીની ધૂમ ઘરાકી નિકળતા શહેરની બજારોમાં ધસારો દેખાતાં વેપારીઓના ચહેરા પર ચમક આવી ગઇ છે. સ્કૂલોમાં પણ 21 દિવસનું અને સરકારી ઓફિસોમાં પણ મોટા ભાગના કર્મચારીઓ રજા પણ હોય હવે રજા જેવો માહોલ છવાયો હોય ચોતરફ શણગાર, સુશોભન અને ઉલ્લાસભર્યો માહોલ હવે લોકોને રોજિંદા તણાવમાંથી મુક્ત કરી રહ્યો છે..

સરકારી કર્મચારીથી માંડી ખાનગી પેઢીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને હવે બોનસ અને એડવાન્સ પગાર આવી ગયો હોય ઉપરાંત દિવાળી નિમિત્તે અન્ય બાકી હોય તેવી વસૂલાત પણ આવી ગઇ હોય બજારમાં હવે ખરીદીની રોનક જોવા મળે છે. આવતી કાલ ધન તેરશના શુભ મુહૂર્તમાં વાહનથી લઇ સોનુ-ચાંદી તેમજ કપડાથી લઇ ઇલે.આઇટમ્સની ખરીદી જામશે.

ભાવનગર શહેર અને જિલ્લામાં હીરા બજારમાં વેકેશન પડી ગયુ છે. તો ઔદ્યોગિક એકમોથી લઇ યાર્ડમા પણ આજથી ભાવનગર આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં પણ મિની વેકેશન છે. આથી હવે સર્વત્ર રજાનું વાતાવરણ છે. બીજી તરફ મુખ્ય બજારો, શોપિંગમોલ, બ્રાન્ડેડ કપડાં અને ગિફ્ટના શો રૂમ્સ વગેરે તમામ સ્થળોમાં લોકો દેખાઇ રહ્યાં છે. બજારોમાં રોશની છે,ચમક છે અને આજે ધન તેરશે ભાવનગર શહેરમાં આખો દિવસ અને મોડી રાત સુધી મુખ્ય બજારોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. આજથી તહેવારનો એક અનોખો રંગ છવાઇ ગયો છે.

સોના ચાંદીથી લઇ મિઠાઇ ફરસાણની ધૂમ ખરીદી
આવતી કાલ ધનતેરસે કોઇ શુકન સાચવવા સોનું કે ચાંદી ખરીદશે,તો કોઇએ નવું વાહન લીધું હતુ તો દિવાળીની સામાન્ય ખરીદીમાં રંગોળીના રંગ, મીઠાઇ, ફટાકડા, કેલેન્ડરના ડટ્ટા, સ્ટીકર, ફોટાઓપહેરાવવાના હાર,બેસતા વર્ષે રાખવાનો મુખવાસ, ફરસાણ, કપડાં વગેરે વસ્તુઓની ખરીદી આજે ધનતેરશના પર્વે થશે. આ ઉપરાંત આજે શુભ મુહૂર્તમાં વેપારી વર્ગે નવા વર્ષ માટે ચોપડાની ખરીદી કરશે.

ખરીદીમાં ટોપ ટેન

 • સોના-ચાંદી અને જ્વેલરી
 • મોબાઇલ-ટીવી-ફ્રિજ-ડિવીડી
 • મિઠાઈ-ફરસાઈ
 • વોલ પેઈન્ટસ
 • વાહનો
 • ગિફટ આર્ટીકલ
 • ગૃહ-સુશોભન
 • રેડિમેઈડ વસ્ત્રો
 • બુટ-ચંપલ
 • પરફ્યુમ