ભાવનગરની પહલ ફાયનાન્સ કંપનીના બે કર્મચારીઓ સાથે ઉમરાળાના ટીંબી ગામે મેલડી માતાના મંદિર નજીક અજાણ્યા બાઈકચાલકે ધોળા જવાનો રસ્તો પૂછી વાતોમાં ભોળવી રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી નાસી ગયો હતો. જે બેગમાં જુદી-જુદી બ્રાંચમાંથી કલેક્શન કરેલા રૂ. 52,750 ભરેલા હતા.આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે બાઈક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગરમાં આવેલી પહલ ફાઈનાન્સ કંપનીના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા તૃષ્ણાબેન કેશુભાઈ રાઠોડ (રહે. ભાવનગર, મુળ જુનાગઢ) અને ગઢડા બ્રાંચના FCO બીપીનભાઈ ભરતભાઈ સરવૈયા ઉમરાળા ખાતે આજે સવારે 7 વાગ્યે કલેક્શનમાં નિકળ્યા હતા અને અલગ-અલગ ગ્રાહકો પાસેથી કલેક્શનના કુલ રૂ. 52,750 બેગમાં લઈ ગઢડા પરત ફરી રહ્યાં હતા.
ત્યારે સવારના 11 વાગ્યાના અરસામાં ઉમરાળાના ટીંબી ગામ પાસે મેલડી માતાના મંદિર આગળ બીપીનભાઈએ બેગ તૃષ્ણાબેનને આપી વોશરૂમ ગયા હતા ત્યારે એક બાઈક ચાલકે આવી તૃષ્ણાબેનને ધોળા જવાનો રસ્તો પુછી વાતોમાં લઈ થેલો ઝુંટવી ફરાર થયો હતો.
આ અંગે તૃષ્ણાબેન કેશુભાઈ રાઠોડે ઉમરાળા પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી લૂંટ ચલાવનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.