તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:રિક્ષાચાલકોની મહાહાડમારી: આવકમાં 50%નો ઘટાડો

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા રિક્ષા ચાલકોએ વ્યવસાય બદલ્યો, શાળાઓ બંધ હોવાથી રિક્ષાચાલકોને મહિને 50 લાખની ખોટ

મહામારી બાદ રિક્ષા ચાલકોને મહાહાડમારી સર્જાઈ છે. મુસાફરોના ઓછા ટ્રાફિક અને વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના લીધે રિક્ષા ચાલકોનું જીવન ગુજરાન મુશ્કેલ બન્યું છે. શહેરમાં અંદાજે 3 હજાર જેટલી રિક્ષાઓ દોડે છે. કોરોનાકાળ પહેલા દરરોજ સરેરાશ રૂ. 500ની કમાણી કરી લેતા હતા પરંતુ હાલના સંજોગોમાં 200 થી 300ની કમાણી પણ ખૂબ મુશ્કેલ બની છે. આમ, ભાવનગરમાં રિક્ષા ચાલકોની આવકમાં અંદાજે 50% જેટલો ઘટાડો થયો છે. એમાં પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવે પડતામાં પાટું જેવી સ્થિતિ સર્જી છે.

આવકમાં ધરખમ ઘટાડો...
સવારથી સાંજ સુધી રિક્ષાચાલક રિક્ષા ચલાવે ત્યારે માંડ-માંડ ઘર ચાલે એટલું ભાડું મળે છે. પુરતું ટ્રાફિક મળતું નથી તેથી આવકમાં ધરખમ ઘટાડો થયો છે. ઓછામાં પુરૂ ડિઝલના વધતા ભાવોએ કંડિશન ટાઈટ કરી દીધી છે. લગ્નમાં સિમિત સંખ્યા, યાત્રાધામો બંધ હોવાથી પ્રવાસીઓ ઓછા રહે છે. શહેર તથા ગામડાના લોકો સમિતિ સંખ્યામાં આવતા હોવાથી સ્થિતિ મુશ્કેલ છે. > જગદીશભાઈ કસોટિયા, ઈ.પ્રમુખ-રિક્ષાચાલક એસોસિએશન

આકાશી વ્યવસાય બની ગયો છે..
રિક્ષા ચાલકોનો વ્યવસાય આકાશી બની ગયો છે એટલે કે કોઈ રિક્ષાચાલકને નસીબ જોગે ક્યારેક મોટું ભાડું મળી જાય છે બાકી અનેક રિક્ષાચાલકોને સાંજ પડ્યે ઘર માટે દુધ લઈ જવાના પૈસા માંડ-માંડ ભેગા થાય છે. તેમજ ડિઝલના વધતા ભાવ અન્ય ખર્ચાઓ બાદ કરતા કંઈ મળતું નથી. > શાંતિલાલ નાથાણી, અગ્રણી-રિક્ષાચાલક સંઘ

બેસવાથી ઉદ્ધાર નથી, રોટલા ખીચડીના માંડ નિકળે...
આજે સવારથી સાંજ સુધીમાં માંડ 200નો વેપાર થયો છે. ઘરે બેસવાથી કંઈ ઉદ્ધાર નથી રોટલા-ખીચડીના કાઢવા મહેનત કરવી પડે છે. આતો પત્નિ અન્ય ઘરોના કામ કરે છે તેથી ખર્ચાઓ પુરા થાય છે. શહેરમાં પુરતુ ટ્રાફિક મળતું નથી અને તેની સામે ડિઝલના ભાવો વધી રહ્યાં છે. તબિયતના કારણે અન્ય જગ્યાએ નોકરી પણ કરી શકતો નથી. > ભીમાભાઈ જોગદન્ડ, રિક્ષા ચાલક

10 રિક્ષાઓ વેચવી પડી...
મારી 25 ઓટોરીક્ષાઓ ભાડે ફરતી હતી. કોરોના અને ડિઝલના ભાવો વધવાને લીધે રીક્ષાઓ ભાડે કોઈ લેતુ નહોતું આથી દોઢ વર્ષના સમયગાળામાં 10 રિક્ષા વેચવી પડી. હાલ છુટછાટો મળી હોવાથી 15 જેટલી રીક્ષાઓ ચાલે છે.તેની સામે લોકો ઓછા ઘરની બહાર નિકળતા હોવાથી આવકમાં ગાબડુ પડ્યું છે.> યાસિનભાઈ મકવાણા, ભાડે રિક્ષા આપનાર

અન્ય સમાચારો પણ છે...