સમીક્ષા બેઠક:ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલી ગ્રાન્ટની સમીક્ષા બેઠક ભાવનગરમાં યોજાઇ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાઓની નગરપાલિકાઓના કાર્યોનો પ્રગતિનો રીવ્યું કરવામાં આવ્યો
  • ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના માધ્યમથી નગરપાલિકાઓના વિકાસ માટે માતબર કામગીરી થઇ

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલી ગ્રાન્ટની સમીક્ષા અંગેની એક બેઠક ભાવનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાઓની નગરપાલિકાઓના પ્રગતિના કાર્યોનો રીવ્યું કરવામાં આવ્યો હતો.

ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે, ફાયનાન્સ બોર્ડના માધ્યમથી છેલ્લાં 5 વર્ષમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ.38 હજાર 500 કરોડની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવી છે. જેનાથી નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ, કોમ્યુનિટી હોલ સહિતની વિવિધ સુવિધાઓ સાકાર થઇ છે. આ જનલક્ષી સુવિધાઓથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. નગર હવે લવેબલ અને લીવેબલ બનવાં લાગ્યાં છે. લોકોની પાયાની જરૂરીયાત સાથે બાગ- બગીચા વગેરેની સુવિધાઓ ઉભી કરી મહાનગર જેવી સુવિધાઓ આ નગરપાલિકા વિસ્તારોમાં પણ ઉભી કરવામાં આવી રહી છે.

ચેરમેનએ ઉપસ્થિત નગરપાલિકાઓના પ્રમુખ અને ચીફ ઓફિસર્સઓને જણાવ્યું કે, તમે યોજના તથા તેના અમલીકરણનો પ્લાન લઇને આવો ફાયનાન્સ બોર્ડ દ્વારા વિકાસના કાર્યો માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ અંગે તેમણે વિકાસ કાર્યોનું સમયસર અને સૂચારું આયોજન થાય તેમજ પ્રગતિમાં રહેલાં અને નવાં મૂકાનાર પ્રોજેક્ટ અંગે નિયમિત અંતરાલે રિવ્યું બેઠક યોજાય તેની તકેદારી રાખવાં અનુરોધ કર્યો હતો.વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમૃત મીશન-૨ માં રાજ્યની તમામ નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વિગતો આપી આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવવાં આહવાન કર્યું હતું.

ચેરમેનએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ પૂરી પાડવાં માટે કટિબદ્ધ છે. ગામડાઓના ઉધ્ધાર માટે તાજેતરમાં જ ગ્રામ વિકાસ યાત્રા દ્વારા ગામના દ્વારે સરકાર પહોંચીને હાથોહાથ લાભનું વિતરણ કર્યું હતું. ગામ જો સુખી હશે તો આ દેશ પણ સુખી હશે તેવાં ભાવ સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે.

આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાં માટે મુખ્યમંત્રી કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યાં છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે ઉપસ્થિત નગરપાલિકાઓના અધિકારીઓ- પદાધિકારીઓને પ્રગતિમાં રહેલાં કાર્યોનું વખતોવખત ફોલો-અપ લઇ તેમાં ગતિશીલતા લાવીને નગરને આદર્શનગર બનાવવાં કટિબદ્ધ થવાં જણાવ્યું હતું.

ચેરમેનના હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યમાં દ્વિતિય ક્રમાંકે આવેલ કોડિનાર નગરપાલિકા તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રક્રમે રહેનાર નગરપાલિકાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય કારોબારી અધિકારી પટ્ટણી ભાવનગર ઝોનની 27 નગરપાલિકાઓના કાર્યોની વિશદ સમીક્ષા કરી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના જે.જે. ગાંધીએ નગરપાલિકા વિસ્તારમાં કઇ રીતે ઉર્જાની ખપતમાં ઘટાડો કરી વીજ બીલ ઓછું કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું.

ભાવનગરના પ્રાદેશિક નગરપાલિકા નિયામક અજય દહિંયાએ સ્વાગત પ્રવચન કરી આગામી તા.10 મી એ ભાવનગર ખાતે મંજૂરીઓ માટે કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી. આ અવસરે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીના અધિક કલેક્ટર આર. આર. ડામોર તથા વિવિધ નગરપાલિકાઓના પ્રમુખઓ, ઉપપ્રમુખઓ, ચીફ ઓફિસરઓ, એન્જિયનિરઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...