રોષ:જિલ્લાભરમાં મામલતદાર સહિત મહેસુલી કર્મીઓ માસ સી.એલ પર

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના સાંસદ દ્વારા અશોભનિય વર્તનના ઘેરા પ્રત્યાઘાત
  • પદાધિકારીઓ માફી નહીં માંગે તો પેન ડાઉન કરી આંદોલન વધુ ઉગ્ર બનાવવા ચિમકી

ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય દ્વારા કરજણ તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદાર સામે કરેલ અશોભનીય વર્તનના ઘેરા પ્રત્યાઘાતો પડવા સાથે ભાવનગર જિલ્લાના તમામ મામલતદારો અને મહેસુલ વિભાગના કર્મચારીઓ એક દિવસની માસ સી.એલ.ઉપર જઇને આંદોલનના મંડાણ કર્યા છે અને પદાધિકારીઓ માફી ન માંગે ત્યાં સુધી પેન ડાઉન કાર્યક્રમ શરૂ રહેશે તેવી ચિમકી પણ આપી છે.

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયાએ કરજણના મામલતદાર અને નાયબ મામલતદાર સાથે અશોભનીય વર્તન સાથે અપશબ્દો આપીને અપમાનીત કરતા આવા બેહુદા વર્તનના સમગ્ર રાજયભરના મામલતદારો અને મહેસુલ વિભાગના વર્ગ-3 ના કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે ગત તા.3-3-22 નાં તમામ મહેસુલ કચેરીઓના કર્મચારીઓ એ કાળી પટ્ટી લગાડીને વિરોધ કરેલ અને તેમ છતાં સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા માફી નહીં માંગવામાં આવતા આજે ભાવનગર સીટી અને ગ્રામ્ય મામલતદાર કચેરી સ્ટાફ ઉપરાંત મહુવા,તળાજા,પાલિતાણા,સિહોર,વલભીપુર,ગારિયાધાર,ઘોઘા,જેસર,ઉમરાળા સહિત જિલ્લાભરના મામલતદાર-વર્ગ-3 ના કર્મચારીઓ દ્વારા માસ સી.એલ. ઉપર ઉતરીને આ ઘટનાનો વિરોધ કરેલ છે.

આજ બાદ જો આ બન્ને પદાધિકારીઓ માફી નહીં માંગે તો પેન ડાઉન કરી અસહકાર આંદોલનનો આરંભ કરશે અને મહેસુલ વિભાગ દ્વારા સ્થાનીક કલેકટરને આવેદન પત્ર પાઠવેલ છે અને માફી માંગે અને જો તેમ નહીં કરવામાં આવેતો હજુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી મહેસુલ વિભાગ વર્ગ-3 ના જિલ્લા પ્રમુખ પ્રતાપસિંહ મોરી દ્વારા લેખીત રજુઆત કરવામાં આવેલ છે.માસ સી.એલ.આંદોલનના કારણે મામલતદાર કચેરીને તાળા રહેતા અરજદારોનાં કામ નહી થતાં અરજદારોને પરત જવું પડયુ હતુ઼.

અન્ય સમાચારો પણ છે...