ફાયરિંગ:અધેવાડા ગામે વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે નિવૃત આર્મીમેન દ્વારા હવામાં ગોળીબાર કરાયો

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો
  • સામસામા પક્ષે ભરતનગર પોલીસ મથકમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

કોમન પ્લોટમાં ગાડી પાર્ક કરવા મુદ્દે સોસાયટીમાં પોતાના પાડોશમાં રહેતા વ્યક્તિ પર ગોળી ચલાવવાનો પ્રયાસ નિવૃત્ત આર્મીમેન દ્વારા કરવાની ઘટના સામે આવી છે. આ મામલે બંન્ને પક્ષો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.અધેવાડાના માલણકા રોડ પર આવેલી શિવેશ્વર સોસાયટીમાં આજે સવારે 11.15 કલાકના સમયગાળા દરમિયાન સોસાયટી પ્લોટ 1 થી 5Fમાં છેલ્લા 3 વર્ષથી રહેતા છગનભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટ પર તેમની બાજુમાં જ રહેતા નિવૃત્ત આર્મીમેન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.

ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ભારે ચકચાર મચી

જેમાં પહેલી ગોળી છગનભાઈના સાથળના ભાગે સ્પર્શીને નિકળી જતા બચી ગયા હતા. તેથી આરોપીએ બીજી ગોળી છાતીને નિશાન લઈને ચલાવી પરંતુ બાજુમાં રહેતા પાડોશીએ વચ્ચે પડી ગોળી વાગતા બચાવી હતી. આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ મામલે છગનભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટએ ભરતનગર પોલીસ મથકમાં લાલજી રઘાભાઈ ડાભી (નિવૃત્ત આર્મીમેન) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે લાલજીભાઈ રઘાભાઈ ડાભીએ છગનભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટ તથા તેના દિકરાઓ મેહુલ અને પીયુશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, છગનભાઈએ સોસાયટીના કોમન પ્લોટમાં તેમની ગાડી પાર્ક કરવા આવ્યા ત્યારે કહેલ કે હું છેલ્લા 6 મહિનાથી કોમન પ્લોટની સાફસાફાઈ કરાવું છું જેમાં તમે કોઈ પણ પ્રકારનો સહયોગ આપતા નથી.

આરોપીને કબજે કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી

જેથી તેઓ ઉશ્કેરાઈ જઈ તેમના દિકરાઓને બોલાવી ઢીકાપાટુ વડે માર માર્યો. આથી મેં મારા સ્વબચાવમાં મારી લાઈસન્સવાળી બંદૂકથી છગનભાઈના પગ પર ફાયરિંગ કરેલ ત્યારે મારા પાડોશી દિલીપભાઈ આવી ગયા બાદ બીજો રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલ. જે બાદ પાડોશીએ મને સમજાવી ઘરે મોકલી દીધો હતો. આ મામલે ભરતનગર પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.

ક્રોસ ફરિયાદ નોંધી આગળની તપાસ ચાલી રહી છે
પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરી, આરોપીને ઝડપી લઈ હથિયાર કબ્જે લઈ લીધું છે. આ મામલે બંન્ને પક્ષોની ક્રોસ ફરિયાદ લઈ લેવામાં આવી છે અને આ અંગે પોલીસ આગળની તપાસ કરી રહી છે. - સફીન હસન, ASP-ભાવનગર શહેર

સ્વબચાવ માટે ફાયરિંગ કર્યું...
હું અને મારા પતિ કોમન પ્લોટમાં બેઠાં હતા ત્યારે તેઓ પોતાની ગાડી પાર્ક કરવા આવ્યા અને અમે જે જગ્યાએ સાફસફાઈ કરી હોય ત્યાં નડતર રૂપ પાર્કિંગ કરતા તેથી તેમના આ બાબતે કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈ તારે કોની હવા છે તેમ કહી મારા પતિને મારવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે તેમણે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. - રમીલાબેન ડાભી, લાલજીભાઈના પત્નિ

પગમાં ચમકારો થયો અને અમે ગભરાઈ ગયા
અમારી બાઈક તડકામાં હતી તેથી કોમન પ્લોટના વૃક્ષના છાંયે તેને મુકવા ગયો ત્યારે તેણે ઝઘડો કરી ઘરેથી બંદુક લાવી પહેલી ગોળી પગ પર નિશાન લઈને મારી જે નિશાન ચુકાય ગયુ પરંતુ પગમાં કંઈક વાગ્યું. જે બાદ આ શખ્સે છાતી પર નિશાન લઈ ગોળી ચલાવી જે ચુકાઈ ગઈ. જે બાદ હું અને મારો પરિવાર ગભરાઈ ગયા અને તુરંત પોલીસને જાણ કરી. - છગનભાઈ ભટ્ટ, ફરિયાદી

અન્ય સમાચારો પણ છે...