રજુઆત:યુનિ.માં ગિજુભાઇ બધેકા ચેર શરૂ કરવા ઠરાવ; આધાર કાર્ડ, લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ વિ.ની સુવિધા કેમ્પસમાં ઉભી કરો

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • યુનિ.ની જગ્યામાં દબાણો હટાવવા, સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવા, 10% ગ્રેસિંગ કરવા જેવા ઠરાવ

આગામી તા.26 માર્ચને રવિવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ની સેનેટ સભા યોજાવાની છે ત્યારે યુનિ.ના કોર્ટ સભ્યોએ જે પ્રશ્નો અને ઠરાવો મુક્યા છે તેમાં યુનિ.માં ગિજુભાઇ બધેકા ચેર શરુ કરવી, યુનિ.ની જગ્યામાં દબાણો થયા હોય તે દુર કરવા, આધાર કાર્ડ, લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ, અમૃતમ કાર્ડ કઢાવવાની કાયમી સુવિધા મુખ્ય હિસાબી બિલ્ડિંગ ખાતે ઉભી કરવા, માનસિક અશક્ત અને અંધ વિદ્યાર્થીઓને રાઇટર રાખવા અને ફીમાંથી મુક્તિ આપવા, યુનિ.ના ઓર્ડિનન્સ , સ્ટેચ્યુટસ અને એક્ટ ને ગુજરાતીમાં ભાષાંતર કરવાની પ્રક્રિયા ઝડપી કરવી, યુનિ.ના દરેક વિભાગમાં સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવી જેવા ઠરાવો કોર્ટ સભ્યો બ્રિજરાજસિંહ ગોહિલ, મહેબૂબ બલોચ વિગેરેએ મુક્યા છે.

કોર્ટ સભ્ય મહેબૂબ બલોચે જે ઠરાવો મુક્યા છે તેમાં યુનિ.ના ડો.આંબેડકર કેમ્પસ ખાતે એથલેટિક્સ ટ્રેક તથા વિવિધ રમત ગમત માટે મેદાન બનાવવા, યુનિ.ના શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારીઓનો જૂથ વીમો ઉતારવા, તમામ અભ્યાસક્રમો (કાઉન્સિલ સિવાયના)માં વિષય દીઠ 10 ટકા ગ્રેસિંગ આપવા, શામળદાસ કોલેજથી વાઘાવાડી રોડને માનભાઇ ભટ્ટ નામકરણનો ઠરાવ મુક્યો છે.

કોર્ટ સભ્ય બ્રીજરાજસિંહ ગોહિલે જે ઠરાવ મુક્યા છે તેમાં ટ્રાન્સક્રિપ્ટના દર ઓછા કરવા, ભરતી ન થાય ત્યાં સુધી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવી, વિકાસ માટે પાંચ વર્ષનો પ્લાન ઘડવો, યુનિ.ના ક્રિકેટના મેદાનમાં દોડવા માટેનો ટ્રેક બનાવવો, સીદસર ખાતે રણજી ટ્રોફી રમાડી શકાય તેવું ક્રિકેટનું મેદાન બનાવવું, એક્સટર્નલમાં વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા કરવી, કોર્ટની મતદાર યાદીમાં લાઇફ ટાઇમ નોંધણી કરવી, મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે તેને ફરતે મોટો બગીચો બનાવવો અને વોકિંગ ટ્રેક બનાવવો, સરદાર પટેલની પ્રતિમા છે ત્યાં લાઇટ સાથે હાઇ માસ્ક ટાવર મુકવો, આઇટીઆઇ પાસે યુનિ.ની જગ્યામાં જે દબાણો થઇ ગયા છે તે દુર કરવા, યુનિ. કેમ્પસમાં પોલીસ ચોકી બનાવવા જેવા ઠરાવો મુક્યા છે.

સરકારી કોલેજો અને ભવનોમાં સંખ્યાધિક વર્ગો શરૂ કરો
વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઇને દરેક સરકારી ભવનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારો કરવો તથા સરકારી કોલેજોમાં પણ સંખ્યાધિક વર્ગો સંખ્યા મુજબ કરવા, રિએસેમેન્ટ ઓનલાઇન થઇ શકે તે માટે ઝડપી પ્રક્રિયા કરવા, સુરક્ષા વધારવા, જે જે બિલ્ડિંગો જર્જરીત થઇ ગયા છે તેનું રિનોવેશન કરી રંગરોગાન કરવા, કલ્ચર અને સ્પોર્ટસનું બજેટ વધારવા તેમજ ટ્રેક શૂટ સારી ક્વોલીટીના આપવાના ઠરાવ મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...