ઈલેકશન સિલેકશન:ભાજપનો મંત્ર પુનરાવર્તન, કોંગ્રેસનો નારો પરિવર્તન

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે જિલ્લાની 7 વિધાનસભા બેઠક પૈકી 5માં ઉમેદવારોને રિપીટ કર્યા, કોંગ્રેસે માત્ર 2ને ફરીથી ટિકિટ આપી
  • ભાજપે ભાવનગરમાં અનુભવી નેતાઓ પર ભરોસો અકબંધ રાખ્યો

આગામી તા.1 ડિસેમ્બરે ભાવનગર શહેર અને જિલ્લાની વિધાનસભાની 7 બેઠકો માટે મતદાન છે ત્યારે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં ભાજપે ભાવનગરમાં વધુ જોખમ લેવાનું ટાળ્યું છે અને માત્ર 2 નવા ઉમેદવારને પસંદ કરી બાકી 5 ઉમેદવારને ફરીથી ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે આ વખતે 7 પૈકી 5 ઉમેદવારો નવા પસંદ કર્યા છે અને એક વિજેતા સાથે 2ને રિપીટ કર્યા છે. આમ આ ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીમાં ઉમેદવાર પસંદગીમાં ભાજપનો મંત્ર : પુનરાવર્તન રહ્યો છે જ્યારે કોંગ્રેસનો નારો પરિવર્તન છે.

ભાવનગર જિલ્લામાં ભાજપે 2017ની ચૂંટણીની સરખામણી કરીએ તો 5 ઉમેદવારને ફરીથી ટિકિટ આપી છે. જેમાં ભાવનગર ગ્રામ્યમાં પરશોત્તમભાઇ સોલંકી, ભાવનગર પશ્ચિમમાં જીતુભાઇ વાઘાણી, પાલિતાણામાં ભીખાભાઇ બારૈયા, ગારિયાધારમાં કેશુભાઇ નાકરાણી અને સૌથી આશ્ચર્યજનક પસંદગીમાં ગત ચૂંટણીમાં તળાજામાં પરાજીત થયેલા ગૌતમભાઇ ચૌહાણને પણ ભાજપે રિપીટ કર્યા છે. જ્યારે ભાવનગર પૂર્વમાં સેજલબહેન પંડ્યા અને મહુવામાં શિવાભાઇ ગોહિલને નવા ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. કોંગ્રેસમાં 2017માં તળાજામાં વિજેતા કનુભાઇ બારૈયાને રિપીટ કરાયા છે સાથે પાલિતાણામાં પ્રવિણભાઇ રાઠોડને પણ ફરીથી ટિકિટ અપાઇ છે. જ્યારે ભાવનગરની ત્રણેય બેઠકમાં નવા ઉમેદવાર છે જેમાં પૂર્વમાં બળવંત સોલંકી, પશ્ચિમમાં કિશોરસિંહ ગોહિલ તથા ગ્રામ્યમાં રેવતસિંહ ગોહિલને ટિકીટ ફાળવાઇ છે. જ્યારે ગારિયાધારમાં દિવ્યેશ ચાવાડા, મહુવામાં ડો.કનુભાઇ કળસરિયાને ટિકિટ અપાઇ છે. ગારિયાધાર (અગાઉ સિહોર)ની બેઠક પરથી ઇ.સ.1995થી કેશુભાઇ નાકરાણીને સતત સાતમી વખત ટિકિટ ફાળવાઇ છે. જ્યારે ઇ.સ.1998ની વિધાનસભા ચુંટણીથી ભાવનગર ગ્રામ્ય (અગાઉ ઘોઘા વિધાનસભા) બેઠક પરથી પરશોત્તમભાઇ સોલંકીને સતત છઠ્ઠી વખત ટિકિટ ફાળવાઇ છે. આ બન્ને ઉમેદવાર સતત સાત અને સતત છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા પણ છે. તો જીતુભાઇ વાઘાણીને ભાવનગર પશ્ચિમમાં સતત ચોથી વખત ટિકિટ ફાળવાઇ છે. જો કે જીતુભાઇ 2007ની ચૂંટણી હાર્યા હતા. પછી બે ચૂંટણી જીત્યા હતા.

1985થી ભાવનગર પૂર્વ બેઠક પર બ્રાહ્મણ વિજેતા
ભાવનગર પૂર્વની બેઠકમાં આજકાલ નહીં પણ ઇ.સ.19985ના વર્ષથી એટલે કે છેલ્લાં 37 વર્ષથી બ્રાહ્મણ જ્ઞાતિના ઉમેદવાર વિજેતા થતા આવ્યાં છે. 1985માં કોંગ્રેસના ઉમેદવાશ્ર દિગંત ઓઝા વિજેતા થયા બાદ 1090માં આ બેઠક પર ભાજપના મહેન્દ્રભાઇ ત્રિવેદી વિજેતા થયા બાદમાં 2007માં વિભાવરીબહેન દવે વિજેતા થયા આમ, છેલ્લી 8 વિધાસનભા ચૂંટણી અથવા તો 37 વર્ષથી આ બેઠક પર બ્રાહ્મણ વિજેતા થાય છે.

2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ટિકિટ ફાળવાઇ
ભાવનગર લોકસભા બેઠકમાં સૌથી વધુ મતદારો કોળી અને બાદમાં પાટીદાર મતદારો છે અને હાલ પણ સાંસદ ડો.ભારતીબહેન શિયાળ કોળી કોમના છે. ત્યારે 2024માં હવે લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે ભાજપે તેના ગણિત અત્યારથી ભાવનગરની આ સાતેય બેઠક પર માંડ્યા હોય તેમ 7 પૈકી 4 બેઠક પર કોળી સમાજને ટિકિટ ફાળવી તો 2 બેઠક પાટીદાર અને 1 બેઠક પર બ્રહ્મ સમાજને ટિકિટ ફાળવી છે.

અન્ય સમાચારો પણ છે...