શાળાએ ફક્ત કેળવણીનું ધામ બની રહેવું જોઈએ.શાળામાંથી નીકળેલાં વિદ્યાર્થીઓ ઉચ્ચ દરજ્જાના સંસ્કારોનું સિંચન થાય અને તે દેશના ભાવિને ઉજ્જવળ બનાવવા માટે પોતાનો યતકિંચિત પ્રયત્ન કરે તે પ્રકારનું અધ્યયન કરાવવું જોઈએ અને હવે સમય આવી ગયો છે કે ધર્મ અને પારિવારિક રીત રિવાજોના સંસ્કારનો વારસો શાળા પરિસરથી હટાવી વાલીઓને સોંપીએ તેમ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વિશ્વગ્રામ તથા સમન્વય સંસ્થાના ઉપક્રમે સ્મૃતિ વ્યાખ્યાન માળામાં જાણીતા પત્રકાર ડો. નાસિરા શર્માએ જણાવ્યું હતુ.
શિશુવિહારમાં "ભારતીય સંસ્કૃતિ અને સમન્વયની સૌરભ' વિષયે શિક્ષકો અને ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકોને સ્મૃતિ વ્યાખ્યાન આપતાં તેમણે કહ્યું કે, શૌર્ય, ધર્મ, સ્વાધીનતા જેવાં આચારો ભલે આગળ કરાતાં હોય પરંતુ જમીની હકીકતે આવાં વિચારો લોકશાહી માળખામાં વર્ણ, વર્ગ જ્ઞાતિભેદને પોષણ આપનાર બને છે.
ગાંધીવાદી વિચારના નાતે પોતાના વિશ્વ પ્રવાસ અને પત્રકારત્વના સૂક્ષ્મ અવલોકનથી મૂલવતાં તેમણે જણાવ્યું કે, આ બધા વિચારો છેવટે ગરીબ માણસને પીડા આપે છે. ઈરાન અને ઈરાકમાં પત્રકારની હેસિયતથી 100થી વધુ બાળકોને મુક્ત કરાવનાર અને હનુમાન જયંતિના દિવસે પૂ. મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટધામમાં સદ્દભાવના એવોર્ડથી સન્માનિત નાસિરા શર્માએ જણાવ્યું કે, સાંપ્રદાયિક સૌહાર્દ દેશના હિતમાં છે.
શિશુવિહારના મંત્રી ડૉ.નાનકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, શિશુવિહાર પરિસર સાંપ્રદાયિક સૌહાર્દનું શ્રેષ્ઠ કેન્દ્ર છે.આ પ્રસંગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠને રાષ્ટ્રીય સ્તરે મૂકનાર લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સિટીના મેનેજીંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેનું મેમેન્ટો, ખેસ, પુસ્તક સંપુટથી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.