ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણના 59 મહિના બાદ પણ સતત ફેરફારો ચાલી રહ્યા છે. જીએસટીમાં નવા રજીસ્ટ્રેશન અંગેના નિયમોમાં વેપારીઓને આંશિક રાહત આપવામાં આવી છે, જ્યારે ઇ-વે બિલ અંગેના નિયમોમાં પણ થોડી હળવાશ આપવામાં આવી છે. નવા રજીસ્ટ્રેશન માટે છેલ્લા એક વર્ષથી વેપારીઓને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હતો અને તેના અંગેની અનેક ફરિયાદો સીબીઆઇસી સમક્ષ આવી રહી હતી.
જીએસટી દ્વારા જારી કરવામાં આવેલા નવા ફરમાન મુજબ, હવેથી નવા રજીસ્ટ્રેશન માટે દર્શાવવામાં આવેલા ડોક્યુમેન્ટ સિવાય વધારાના કોઇ ડોક્યુમેન્ટ વેપારી પાસેથી માંગી શકાશે નહી. અધિકારીને નવા નંબર અંગે જો કોઇ શંકા હશે તો પણ વેપારીને રૂબરૂ બોલાવી શકાશે નહીં. અગાઉ ખુટતા ડોક્યુમેન્ટના નામે વેપાારીઓને જીએસટી અધિકારીઓ કચેરીએ રૂબરૂ બોલાવી અને શોર્ટકટ અપનાવવાની દિશામાં દબાણ કરી રહ્યા હતા.
આધારકાર્ડ ઓથેન્ટિકેશન હોય તો નિયત સમયમર્યાદામાં નવા નંબર ફાળવી દેવા અને અિધકારીઓને વધુ કોઇ શંકા હોય તો અરજદારના દર્શાવેલા ધંધાના સ્થળની મુલાકાત લઇ શકે છે પરંતુ જીએસટી રજીસ્ટ્રેશનમાં અરજદારને રૂબરૂ બોલાવવાની પ્રક્રિયા ખતમ કરવામાં આવી છે. ઇ-વે બિલ અંગેના નિયમો પણ હળવા બનાવાયા છે, અને ધંધાના સ્થળથી 20 કિ.મી. સુધી વે-બ્રિજ સુધી ચલણથી પરિવહન થઇ શકશે, કસ્ટમ્સ એરિયાની અંદર કસ્ટમ્સ ક્લીયરન્સ માટે લાવવા-લઇ જવાતા માલ માટે ઇ-વે બિલની જરૂરીયાત નથી. વેપારીઓને ઉપરોક્ત જીએસટીના નિયમોમાં સુધારાથી રાહત મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.