તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 વર્ષથી ચાલતો વિવાદ:બારોબાર ફ્રાન્સ ગયેલા 4 અધિકારીને રૂા.4 લાખ ચુકવવાની દરખાસ્ત ફગાવી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુ. કમિશનરે અટકેલી ગ્રેજ્યુટી ચુકવવા સુચના આપી હતી
  • કોર્પોરેશનના અધિકારીઓનો વર્ષોથી ચાલી રહેલા વિવાદનો સ્ટેન્ડીંગે વ્યુહાત્મક રીતે અંત આણ્યો

કોર્પોરેશનના ચાર અધિકારીઓ બાર વર્ષ પૂર્વે સરકાર કે સક્ષમ સત્તાની મંજૂરી વગર ફ્રાંસ પ્રવાસે ગયા હતા અને ચાર લાખ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશનની તિજોરીમાં નાખતા તેની મંજૂરીના વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આજે સ્ટેન્ડિંગે અંત લાવતા અધ્યક્ષ સ્થાનેથી ચાર લાખ રૂપિયાના ખર્ચને મંજૂરીની દરખાસ્તને ફગાવી દીધી હતી.ભાવનગર કોર્પોરેશનમાં વર્ષોથી અધિકારીઓના ફ્રાંસના પ્રવાસનો વિવાદ ચાલી રહ્યો છે.

સરકાર કે સક્ષમ સત્તાની મંજૂરીની એસી તેસી કરી ચાર અધિકારીઓ જે.એ.રાણા, પી.પી.ત્રિવેદી, ફાલ્ગુનભાઈ શાહ અને એ.બી.વઢવાણીયા તત્કાલીન કમિશનરને જાણ કરી કોર્પોરેશનની તિજોરીમાંથી ચાર લાખ રૂપિયા ખર્ચ કરી વર્ષ 2009 માં ફ્રાંસના પ્રવાસે ગયા હતા. ત્યારબાદ ચાર લાખ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવા અનેક ધમપછાડા પણ કર્યા હતા. ફ્રાન્સ પ્રવાસના આઠ વર્ષ બાદ ચાર લાખના ખર્ચને મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત પણ કરી હતી. પરંતુ તત્કાલીન સમયથી સ્ટેન્ડિંગ કમિટીએ કોઈ નિર્ણય નહીં કરી કાર્ય પેન્ડિંગ રાખ્યું હતું.

ફ્રાંસ પ્રવાસે ગયેલા અધિકારીઓએ તત્કાલીન સમયે જે.એ.રાણાના નામે ચાર લાખ એડવાન્સ પેટે ઉપાડ્યા હતા. જેને કારણે રાણાની ગ્રેજ્યુટી માંથી ચાર લાખના ચુકવણાને પણ બ્રેક લાગી હતી. તેમજ અગાઉ કમિશનરે પણ રાણાની સંપૂર્ણ ગ્રેજ્યુટીની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. પરંતુ તેમાં પણ ઓડિટ ઓબ્જક્શન આવ્યું હતું.

અધિકારીઓના ચાર લાખના ખર્ચને મંજુર કરવા માત્ર તંત્ર જ નહિ પરંતુ રાજકીય પણ એટલું જ પ્રેસર હતું. અંતે આજે સ્ટેન્ડિંગ કમિટીએ વ્યૂહાત્મક રીતે એજન્ડામાં નહિ લઇ અધ્યક્ષ સ્થાનેથી જ ચાર લાખના ખર્ચને ચુકવણી કરવાની દરખાસ્ત નામંજૂર કરી હતી. જેથી ફ્રાન્સના વિવાદનો અંત આવ્યો હતો અને કોર્પોરેશનની તિજોરીમાંથી ચાર લાખ વ્યર્થ જતા બચ્યા હતા.

4 વર્ષથી સ્ટેન્ડીંગ નિર્ણય કરવામાં રહી અસમર્થ
કોર્પોરેશનના ચાર અધિકારીઓ મંજૂરી વગર ફ્રાંસના પ્રવાસે ગયા બાદ તેના ચાર લાખ રૂપિયાના ખર્ચ અને મંજુર કરવા કમિશનર તરફથી વર્ષ 2017માં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ એનકેન પ્રકારે છેલ્લા ચાર વર્ષથી સ્ટેન્ડીંગ કમિટી આ બાબતોનો કોઈ નિર્ણય કરી શકી ન હતી અંતે આજે સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેશનના હિતમાં દરખાસ્તને ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...