'યૂં હી ચલા ચલ રાહી...':કેદારનાથની ટ્રિપ કરવા ગયેલી સિહોરની પૂર્વાએ ઇન્સ્ટા પર મૂકેલી રીલ્સ અંતિમ રીલ્સ બની ગઈ, હેલિકોપ્ટર ક્રેશમાં ગુમાવ્યો જીવ

ભાવનગર2 મહિનો પહેલા

સમય ક્યારે કાળ બનીને આવે તે કહેવાય નહી, ભાવનગરની યુવતીઓને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે કેદારનાથની આ ટ્રીપ તેમની અંતિમ ટ્રીપ બનશે. કેદારનાથથી બે કિલોમીટર દૂર આજે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુ સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં છે. જે શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યાં છે તેમાં ત્રણ યુવતી ભાવનગરની છે, જેમાંથી પૂર્વા રામાનુજ નામની યુવતી જે સિહોરની રહેવાસી હતી તેણે તેની ટ્રિપના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ 'યૂં હી ચલા ચલ રાહી યૂંહી...' લખીને પૂર્વાએ સ્ટોરી અપલોડ કરી ત્યારે તેને કે ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સ્ટોરી હશે.

મૃતક પૂર્વાની ફાઇલ તસવીર.
મૃતક પૂર્વાની ફાઇલ તસવીર.

બે પિતરાઇ બહેનો પણ મોતને ભેટી
આજ પ્રકારે ભાવનગરની અન્ય બે પિતરાઇ બહેનો પણ મોતને ભેટી છે. ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને બહેનો ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. જેમાં કૃતિ બારડનો તો આજે જ જન્મદિવસ હતો. જ્યારે ઉર્વીના પિતા જયેશભાઇનું એક વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બંને બહેનોના આમ અકાળે મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

ડાબેથી મૃતક ઉર્વી અને કૃતિની ફાઇલ તસવીર.
ડાબેથી મૃતક ઉર્વી અને કૃતિની ફાઇલ તસવીર.

ત્રણે યુવતી 14 તારીખે કેદારનાથ ગઇ હતી
કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે થયેલી દુર્ધટનાનો ભાવનગર વહીવટીતંત્રને મેસેજ મળતાં નાયબ મામલતદાર દ્વારા યુવતીઓના પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી. ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાન શિવજીનાં દર્શન માટે ગઈ હતી. 17મી તારીખે જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવામાં આવી હતી. યુવતીઓ દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ઉર્વી, કૃતિ અને પૂર્વાનું મોત નીપજ્યું છે.

ગુજરાત સરકારે ઉત્તરાખંડના રાહત વિભાગ સાથે વાતચીત કરી
આ દુર્ઘટનાને પગલે ગુજરાત સરકારે ઉત્તરાખંડના રાહત વિભાગ સાથે ત્રણેય દીકરીનાં મોત બાદ તેમના મૃતદેહ ગુજરાત કેવી રીતે લાવી શકાય એ અંગે વાતચીત કરી છે. વાતચીત દરમિયાન ઉત્તરાખંડ સરકારે જાણકારી આપી છે કે, સૌપ્રથમ ત્રણેય દીકરીઓનું નજીકની હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ રસ્તા માર્ગે કે પછી દેહરાદૂનથી હવાઈ માર્ગે તેમના મૃતદેહને ગુજરાત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...