સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં સફાઈ માટે એક તરફ કમિશનર દ્વારા કડકાઈ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ સફાઈ કામદારો દ્વારા સફાઈ કામોના સમય અને કામમાં ઘટાડો કરવા આજે કોર્પોરેશન એકઠા થયા હતા. જોકે, કમિશનરે સફાઈ કામદારોને મળવાનું ટાળ્યું હતું.
સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગર કોર્પોરેશને ફાઇવસ્ટાર રેટિંગ માટે એપ્લાય કર્યું છે. કમિશનર દ્વારા છેલ્લા ઘણા સમયથી સફાઈ માટે સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અને બેદરકારી બદલ અધિકારી - કર્મચારીઓ પર પગલા પણ ભરવામાં આવે છે.
ત્યારે બીજી તરફ સફાઈ કામદારોમાં પણ કામગીરી બાબતે કોર્પોરેશન પ્રત્યે નારાજગી ઊભી થઈ છે. સફાઈ કામદારોના આગેવાનો દ્વારા આજે કોર્પોરેશન ખાતે એકઠા થઈ સફાઈ કામદારોની કામગીરીના સમયમાં તેમજ તેમના કામના ક્ષેત્રમાં ઘટાડો કરવા રજૂઆત કરવા આવ્યા હતા.
જોકે, કમિશનર સફાઈ કામદારોના આગેવાનોને મળ્યા ન હતા જેથી સોલીડ મેનેજમેન્ટના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી. આગામી 10 દિવસમાં સફાઈ કામદારોના પ્રશ્નો નિરાકરણ નહિ આવે તો હડતાલ પર જવાની પણ સફાઈ કામદારોએ ચીમકી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કમિશનર દ્વારા કર્મચારીઓ, સફાઈ કામદારોને સમયસર હાજરી અને કામગીરીમાં કડકાઈ કર્યા બાદ અત્યાર સુધી લોલમલોલ કામ ચલાવતા અને બેદરકાર અધિકારી, કર્મચારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.