કોરોનાની સમિક્ષા:તબીબી અસુવિધા સામે પ્રભારી મંત્રીની લાલ આંખ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના રસીકરણ માટે પ્રભારી મંત્રીનો આગ્રહ પરંતુ ભાવનગરમાં રસીનો જથ્થો ખુટી ગયો છે
  • હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ,દવા સહિતની પૂર્વ તૈયારીનો તાગ મેળવ્યો

ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે કોરોનાના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં સર ટી. હોસ્પિટલમાં બેદરકારી અને જિલ્લામા પણ આરોગ્યલક્ષી સુવિધામાં ઉણપ સંદર્ભે તાકીદ કરી હતી તો સરકારી હોસ્પિટલોનું બાંધકામ કરતા પી.આઈ.યુ. ડિપાર્ટમેન્ટની ગંભીર બેદરકારીઓને લઈ પ્રભારી મંત્રી સહિતના ધૂંઆપૂંઆ થઈ ગયાં હતાં.

આ બેઠકમાં પ્રભારી મંત્રીએ ભાવનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે સમયની માંગ છે. પરંતુ વાસ્તવિકતા તો તે છે કે, આજથી જ ભાવનગરમાં વેક્સિનનો જથ્થો ખુટી જતાં વિદ્યાર્થીઓને વેક્સિન આપી શકાયું ના હતું.

શાળાઓ દ્વારા આગોતરૂ કરેલું આયોજન પણ ફ્લોપ ગયું હતું. પ્રભારી મંત્રીએ જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા વગેરેની સમીક્ષા કરી આકસ્મિક સંજોગોમાં પુરતી તૈયારીઓ રાખવાં માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. જોકે, ગ્રામ્ય કક્ષાએ કોરોનાની પહેલી અને બીજી બન્ને લહેરમાં ગંભીર બેરદરકારીઓ બહાર આવી હતી અને હજુ પણ તેમાં સુધારો નહીં આવતા તેની મંત્રીએ પણ નોંધ લીધી હતી.

આ બેઠકમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર અજય દહીયા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

PIUના એન્જિ.નો હઠાગ્રહ, બેઠકમાં ના જ આવ્યા
કોરોના સંદર્ભે આજે કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં સરકારી દવાખાનાનું બાંધકામ કરતા પી.આઈ.યુ. વિભાગના કોઈ હાજર નહીં હોવાથી અને હોસ્પિટલોના બાંધકામના પ્રશ્નો હોવાથી બેઠકમા હાજર રહેવા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સુચિત કર્યા હતાં અને ચાલુ બેઠકે પણ જાણ કરી પરંતુ અધિકારી તો ના જ આવ્યા અને તેના પ્રતિનિધિ તરીકે કર્મચારીને મોકલ્યો હતો. તેને મંત્રી, સાંસદ અને ધારાસભ્યએ ધુળ કાઢી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...