ભરતી મામલે વધુ એક ગૂંચ:રાજ્યમાં દિવ્યાંગોની શાળાઓમાં 1500 શિક્ષકની ભરતી, ગુજરાતી ઉમેદવારો ખૂબ જ ઓછા!

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • માત્ર ગુજરાતી ડીગ્રીધારકોની ભરતી થવાની છે; 10 વર્ષ પછી તંત્ર જાગ્યું, પણ વાસ્તવિકતા જુદી
  • 10 વર્ષથી ભરતી બંધ, આ ભરતી સરકારી શાળાઓમાં જ થશે, સમાજ કલ્યાણ ખાતાની 131 શાળાની બાદબાકી

રાજ્યમાં દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને શિક્ષણવિભાગે એક મોટી જાહેરાત કરીને જણાવ્યું છે કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની શાળાઓમાં જુદી જુદી 3 કેટેગરીમાં કુલ 1500 જગ્યાઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે. આ માટે ફોર્મ વિતરણ શરુ થયું છે અને આગામી 8 જુન સુધી ફોર્મ ભરી શકાશે. પરંતુ આ બાબતે વાસ્તવિકતા એ છે કે શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી આ જાહેરાતમાં સરકારના નામ બડે ઓર દર્શન છોટે જેવા હાલ છે, કારણ કે 1500 ઉમેદવારની જગ્યા સામે યોગ્ય તાલીમ મેળવેલા 150 પણ મળવા મુશ્કેલ છે, ભરતી મોટી અને ખરા ઉમેદવાર ઓછા એવા હાલ થવાના છે.

દશ વર્ષથી વધુ સમય બાદ ભરતી થશે
વિકલાંગો માટે તાલીમાર્થીની ડિગ્રીની કોલેજોમાં ગુજરાતના ઉમેદવારો ભાગ્યે જ હોય છે કારણ કે 10 વર્ષથી વધુ સમયથી ભરતી જ થઇ નથી. સાથે પગારધોરણ પણ અન્ય રાજ્યો કરતા ઓછું છે. અન્ય રાજ્યોમાં 32 હજાર પગાર અપાય છે જ્યારે ગુજરાતમાં પ્રવાસી શિક્ષકો કહેવાય તેની કેટેગરીમાં આવા શિક્ષકોને 15 હજાર જેવો પગાર મળે છે. વળી દિવ્યાંગોની માત્ર સરકારી જ શાળાઓને આ ભરતીનો લાભ મળવાનો છે બાકી સમાજ કલ્યાણ ખાતા હેઠળ ચાલતી રાજ્યની 131 જેટલી દિવ્યાંગોની શાળાઓને આમાં કશું જ મળવાનું નથી.

શાળાઓમા સાચા શિક્ષકોની ઘટ
રાજ્યમાં વિકલાંગ બાળકોનું શિક્ષણ બે ખાતા હેઠળ ચાલે છે એક તો સમાજ કલ્યાણ ખાતા હેઠળ જેમાં 131 જેટલી બહેરા-મુંગા, અંધ, મંદબુદ્ધિ અને સેરિબ્રલ પાલ્સી શાળાઓમાં કે જેમાં 15 હજાર જેટલા બાળકો ભણે છે આ શાળાઓ મોટા ભાગે સ્વૈચ્છિક સંસ્થાઓ હસ્તક છે. સરકાર તેને ગ્રાન્ટ આપે છે. રાજ્ય સરકારે છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં આ શાળાઓના સેટ અપની 540 જગ્યાઓ રદ કરી નાખી છે. જે આજ સુધી પુન: જિવીત થઇ નથી. પરિણામે છેલ્લાં 10 વર્ષથી વધ સમયગાળાથી સ્પેશિયલ એજ્યુકેટર(શિક્ષકો)ની ભરતી થઇ શકી નથી. શાળામાં બાળકો છે પણ સાચા શિક્ષકો નથી તે હકીકત છે.

જુદી જુદી 3 કેટેગરીમાં 1500 જગ્યા પર ભરતી
આ સ્પેશિયલ કેટેગરીના શિક્ષકોની ટ્રેનિંગની કોલેજમાં ગુજરાતના તાલીમાર્થીઓની જગ્યાઓએ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના તાલીમાર્થી ભણી રહ્યાં છે. સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગમાંથી જાહેરાત કરાવામાં આવી છે કે જિલ્લાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી 3 કેટેગરીમાં કુલ 1500 જગ્યાઓ માટે સ્પે.એજ્યુકેટરની ભરતી કરાશે.

અંધ માટે ખાસ શિક્ષક મંદબુદ્ધિનાં બાળકને ભણાવે છે !
રાજ્યમાં દિવ્યાંગો માટે શિક્ષણ ખાતુ પણ વિકલાંગો માટે શાળામાં શિક્ષણ આપે છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નોર્મલ બાળકો સાથે વિકલાંગોને ભણાવાની યોજના ચાલે છે. પરંતુ તેમાં ખાટલે મોટી ખોટ એ છે કે એક ક્લસ્ટરમાં એક શિક્ષક પાસે 15થી 20 બાળકો છે અને તે માટે જુદી જુદી કેટેગરીની વિકલાંગતા ધરાવતા હોય છે. જેમાં શિક્ષક હોય બહેરા-મુંગા માટેના અને તે ભણાવતા હોય મંદબુદ્ધિના બાળકોને ! જેથી આંખનો કાજળ ગાલે ઘસ્યું જેવો ઘાટ સર્જાય છે.

આમા અંધ બાળકો મુંગા બાળકોને. ભણાવાની તાલીમાર્થી શિક્ષક પાસેથી શું શિખતા હશે તે તો ભગવાન જાણે ! ખરેખર તો દર 10 બાળકોએ એક શિક્ષકની જોગવાઇ હોય છે પણ આ રેશિયો ભરતીના અભાવે 25થી 30 બાળકોએ એક શિક્ષકનો થઇ ગયો છે. તે પણ બધી પ્રકારની વિકલાંગતાવાળાને ભણાવે છે.

કેવી પરિસ્થિતિ છે હાલ ગુજરાતમાં ?
આ ભરતીની જાહેરાત કરી તે સાચું અને આવકારદાયી છે પણ ગુજરાતમાં સમાજ કલ્યાણ ખાતા હેઠળની 131 શાળાઓમાં 15 હજાર જેટલા વિકલાંગો ભણે છે તેમને કશું મળવાનું નથી.આ બાબતમાં સુધારો કરવો જોઇએ અને આ શાળાઓને પણ ભરતીમાં આવરી લેવી જોઇએ. ભાવનગરમાં જ પીએનઆર સોસાયટી હેઠળ મંદબુદ્ધિ, બહેરા-મુંગા, અંધ વિગેરે માટે શાળાઓ ચાલે છે તેમને આ ભરતીનો લાભ મળવાનો નથી.

આ ઉપરાંત ગુજરાતમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી જ ન થઇ હોય હાલ એવી સ્થિતિ છે કે કોલેજમાં 50 બેઠકો હોય તો 35થી વધુ બેઠકો પર પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યનો ઉમેદવારો ડિગ્રી લેતા હોય છે. આથી 1500 ઉમેદવારો ગુજરાતના મળવા મુશ્કેલ છે.- અનંતભાઈ શાહ, સંચાલક, પીએનઆર સોસાયટી

અન્ય સમાચારો પણ છે...