ગુજરાતમાં બિનસરકારી અનુદાનિત કોલેજમાં જુદી જુદી વિદ્યાશાખાના 1 હજાર જેટલા અધ્યાપક સહાયકો ભરવાની જાહેરાત કર્યાને ત્રણ વર્ષનો સમય વીતી ગયો છતાં હજુ સુધી કોઈ નક્કર પ્રક્રિયા કરવામાં આવી નથી. આ ઉપરાંત એક મહિના પહેલા આચાર્યોની બેઠક બોલાવી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવાનું નક્કી થયું પરંતુ ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતી હોવાની ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ ડૉ. નિદત બારોટે શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે 3 વર્ષથી અધ્યાપક સહાયકોની ભરતી થવાની છે તેમ માનીને ગુજરાતના હજારો યુવાનો શિક્ષણ વિભાગ સામે નજર માંડીને બેઠા છે. 1 જુલાઈ 2021ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર દ્વારા ખાલી જગ્યાઓ અને કેટેગરી જાહેર કરવામાં આવી.
આ વાતને પણ આઠ મહિનાથી વધુ સમય થઈ ગયો. ત્યારબાદ માર્ચ 2021થી એક મહિના માટે અરજી કરેલા ઉમેદવારોને ગાંધીનગર રૂબરૂ બોલાવી તેઓના શૈક્ષણિક લાયકાતો અને અનુભવના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી. આ ચકાસણી પૂરી થયે પણ આજે 17 માર્ચના રોજ એક વર્ષ થયું છે આમ છતાં હજી અધ્યાપક સહાયકના ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા છે.
એક મહિના પહેલા એટલે કે 8 એપ્રિલના રોજ ગુજરાતની તમામ અનુદાનિત કોલેજના આચાર્યોને ઉચ્ચ શિક્ષણ કમિશ્નર દ્વારા કે.સી.જી. માં બોલાવવામાં આવ્યા હતા. 400 જેટલા કોલેજના આચાર્યો - કાર્યકારી આચાર્યો પોતાના ખર્ચે ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યોને જણાવવામાં આવ્યું હતું કે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે.
ઈન્ટરવ્યૂ માટે કમિશ્નર કાર્યાલય સજજ છે અને નવું સત્ર શરૂ થાય તે પહેલાં અધ્યાપક સહાયકના ઈન્ટરવ્યૂ ગોઠવવાના હોય સંચાલક મંડળના હોદ્દેદારો, આચાર્યો, જે તે કોલેજના ભવનના અધ્યક્ષો અને વિષય નિષ્ણાતો ઈન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહે તેવી તૈયારી રાખવી. 1 મહિનો થવા છતાં હજુ સુધી અધ્યાપક સહાયકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ નથી. આમ રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં છેલ્લા ત્રણ વર્ષથી 1 હજાર જેટલા અધ્યાપકોની ભરતી થઈ નથી અને આથી શિક્ષણની ગુણવત્તાને અસર પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.