ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં જકાત નાકા વિસ્તારથી પાટીવાડા વિસ્તાર સુધી તાજેતરમાં જ બનાવેલો મેઈનબજારનો આર. સી.સી. રોડ નબળી ગુણવત્તાનો હોવાનું સ્પષ્ટ થતા આ રોડ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ અગાઉ રોડ બનતા સમયે ઉઠાવવી પડેલી હાડમારીનો સામનો સ્થાનિક વેપારીઓ- નાગરિકોએ ફરીવાર કરવો પડી રહ્યો છે.
ચાર માસ પહેલા બનાવવામાં આવેલો આર. સી.સી. રોડ નબળી ગુણવત્તાનો હોવાની ફરિયાદો મળતા રોડ મટિરિયલનો એફ.એસ.એલ. રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા રોડ તોડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વારંવાર રોડ બનાવવા અને તોડવાની આ પ્રક્રિયાથી વ્યાપારીઓ પરેશાન થઈ ગયા હોવાનું સ્થળ તપાસમાં ખુલ્યું છે. મેઈન બજારનો રોડ હોવાથી આજુબાજુના ગામમાંથી ખરીદી કરવા આવતા લોકો તથા સરકારી હોસ્પિટલ જતાં દર્દીઓને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડતા લોકોમાં અને દર્દીઓમાં રોષની લાગણી વ્યાપી છે.
આ આર. સી.સી રોડનું કામ અત્યંત ખરાબ થયું હોય તેવું નરી આંખે પણ જોઈ શકાતું હતું. આ અંગે હોબાળો મચતા નગરપાલિકા સફાળી જાગી હતી. નાગરિકોએ રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ભાગબટાઈ થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે ભાવનગરથી ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસાર્થે વલ્લભીપુર દોડી આવ્યા હતા. જ્યાં સેમ્પલ લઈ એફએસએલમાં મોકલાયા હતા. જે તમામ સેમ્પલ ફેઈલ થતાં વલભીપુર નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે એજન્સીનું બિલ ચૂકવવું નહીં અને જો બિલ ચૂકવાઈ ગયું હોય તો રિકવરી કરવી. રોડનું કામ તોડીને ફરી વાર એજન્સીએ બનાવી આપવાનું રહેશે જેનો તમામ ખર્ચ એજન્સીનો રહશે એવી તાકીદ કરવામાં આવી હતી. હવે આ માર્ગ તોડીને નવેસરથી બનાવવાની કામગીરી આરંભાઇ છે ત્યારે ફરીથી કામમાં કોઈ ગેરરીતિ ન થાય એ જોવા માટે પાલિકાની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.