ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 96.27 કરોડની પુરાંતવાળુ બજેટ મંજુર કરવામાં આવ્યુ છે જેમાં દરેક વોર્ડમાં રીડીંગ લાયબ્રેરી, આવાસ યોજના, શહેરના ફરતા વિસ્તારમાં આવેલા 11 જેટલા તળાવાનો વિકાસકાર્યો અને આવાસ યોજના માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ડીઝીટલાઈઝેશન પ્રક્રિયા દ્વારા મોટા પ્રોજેક્ટની કામગીરીનો રોજેરોજનો અહેવાલ મળે તેવી વ્યવસ્થા કરાશે તેમ ચેરમેન ધીરૂભાઈ ધામેલીયાએ જણાવેલ છે.
તેમણે જણાવ્યું હતું કે શહેરનો સર્વાંગી વિકાસ થાય અને છેવાડાના માનવીને પણ પ્રાથમિક સુવિધામાં કોઈ અડચણ ન રહે તે માટે શાસકો કટીબદ્ધ છે. શહેરના તમામ વોર્ડમાં રીડીંગ લાયબ્રેરી ઊભી કરાશે. જેમાં વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી શકે, લાયબ્રેરીમાંથી રેફરન્સના પુસ્તકો મેળવી શકે ઉપરાંત વાંચવા માટે ટેબલ, ખુરશી, પંખા સહિતની સુવિધા મળે તેવું આયોજન કરાશે.
સરકારની અમૃત સરોવર યોજના નીચે અધેવાડા, તરસમીયા, સીદસર, અકવાડા, ફુલસર સહિત 11 જેટલા તળાવોના વિકાસ માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં હાલમાં કેમેરાઓ છે પણ કેમ્પસમાં, લોબીમાં અને સ્ટાફરૂમમાં પણ સીસીટીવી કેમેરા નાખવામાં આવશે.
ભાવનગર શહેરનો વિકાસ સર્વાંગી થાય તે માટે પેરીફેરી વિસ્તાર જે શહેરની ફરતે આવેલો છે તેના વિકાસ માટે પણ અનેક યોજનાઓ લાવવામાં આવશે.આ વર્ષે લોકોની સલામતી માટે રૂ.1347 લાખ અને તંદુરસ્તી માટે 19,507 લાખની ફાળવણી કરવામાં આવી છે. પ્રાથમિક કેળવણી માટે 15,913 લાખ વાપરવાનો અંદાજ છે. જ્યારે રસ્તા અને ફૂટપાથ રીપેરીંગ માટે રૂ.650 લાખ, રસ્તાની સફાઈ માટે ખાનગીકરણ કરવાના રૂ.750 લાખ ફાળવવામાં આવ્યા છે.
જુદીજુદી 412 આવાસ યોજના માટે 910 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફાયર ફાઈટર, રેસ્ક્યુ વાહનો, નવા પાંચ યુપીએચસી સેન્ટર સહિતના વિકાસ કાર્યો સ્ટેન્ડિંગ કમિટિના બજેટમાં મંજુર કરવામાં આવ્યા છે. આ બજેટ હવે સાધારણ સભાની મંજુરી માટે જશે.
આંકડાની માયાજાળ : આવક કરતા ખર્ચ વધુ
અંદાજપત્રમાં આંકડાની માયાજાળ ગોઠવી છે. અંદાજપત્ર મુજબ ઉઘડતી સિલક વગરની કુલ આવક રૂ.1147,86,00,000 થાય છે જેની સામે વરસાંતે ખર્ચ રૂ.1182,29,00,000 થાય છે જેથી આવક કરતા ખર્ચ રૂ.34,43,00,000 વધુ થાય છે.
દર વર્ષે એકના એક પ્રોજેક્ટની જોગવાઈ
અંદાજપત્રમાં દર વર્ષે એકના એક હેડ માટે રકમની ફાળવણી કરવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતા નથી જેથી આ વર્ષે પણ જુના પ્રોજેક્ટમાં જ ફાળવણી કરાઈ છે. જેમકે કંસારા ગઢેચી શુદ્ધિકરણ માટે રૂ.2100,00,000, રુવા ગામ પાસે રવેચી ધામ ડેવલપમેન્ટ માટે બે કરોડ ફાળવાયા છે.
ડીઝીટીલાઈઝેશન દ્વારા વિકાસ કાર્યોની દેખરેખ
મ્યુ.કોર્પો.ને ડીઝીટીલાઈઝેશન વડે સજ્જ કરી સાધનોની મદદથી વિકાસ કાર્યોનું મોનીટરીંગ કરાશે અને સમય પ્રમાણે, ગુણવત્તા યુક્ત કામ થાય તે માટેની પદ્ધતિ વિકસાવી વિકાસ કાર્યોનો તસવીરો સાથે રોજેરોજ રીપોર્ટ સંબંધિત અધિકારી, પદાધિકારીને મળે તેવું આયોજન કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.