હાલાકી:STP વિના ચલાવવા દેવાતા GPCL દ્વારા પુન : પ્રદૂષિત પાણી છોડાયુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે આવેલા ગુજરાત પાવર કોર્પોેરેશન લિમિટેડના પાવર પ્લાન્ટનો વિવાદ સતત વકરતો જાય છે. ખુદ સરકારી પ્લાન્ટ દ્વારા સરકારના જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવ તે વિચિત્ર બાબત ગણી શકાય તેમ છે.

નિયમ મુજબ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો આવશ્યક હોય છે, પરંતુ જીપીસીએલ દ્વારા હજુ સુધી આવો પ્લાન્ટ બનાવવામાં આવ્યો નથી અને પાવર પ્લાન્ટનું પ્રદૂષિત પાણી ખુલ્લામાં ગૌચરની જમીનમાં છોડી મૂકવામાં આવે છે. જીપીસીબીના ચેકિંગના થોડા સમય સુધી જીપીસીએલ ડહ્યુ ડમરૂ બનીને રહ્યું, પરંતુ તેની અસર ઓસરી રહી હોય તે વળી પાછુ પ્રદૂષિત પાણી જીપીસીએલ દ્વારા ગૌચરની જમીન પર છોડવામાં આવી રહ્યું છે.

એસટીપી વિના મોટા ઉદ્યોગોને ચલાવવાની અનુમતિ આપવામાં આવતી નથી પરંતુ અહીં લાંબા સમયથી પ્રદૂષણના તમામ નિયમોની ઐસીતૈસી કરી જીપીસીએલ દ્વારા પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે આજુબાજુના 12 ગામના ખેડૂતોની જમીનમાં નુકસાન થઇ રહ્યું છે. જીપીસીબી દ્વારા સ્થળ ચકાસણી બાદ જીપીસીએલ દ્વારા પુન: પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના મુદ્દે ખેડૂતોમાં ઉહાપોહ મચ્યો છે.

સ્થળ ચકાસણી કરી છે, કાર્યવાહી કરાશે
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના બાડી-પડવાના પ્લાન્ટ નજીક ગૌચરની જમીનમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની બાબતે બે સપ્તાહ પૂર્વે સ્થળ ચકાસણી કરવામાં આવેલી છે, અને આગળની કાર્યવાહી કરાઇ રહી છે, કોઇને છોડવામાં નહીં આવે.> અશોક ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...