તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:12 જુલાઇએ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અષાઢી બીજે સરકારની ગાઇડલાઇન મુજબ શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે
  • ગત વર્ષે કોરોનાને લીધે રથયાત્રા શહેરમાં ફરી ન હતી

દર વર્ષની પરંપરા મુજબ અને સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢી બીજ, તા.12 જુલાઇને સોમવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે શહેરમાં 36મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. આ અંગે માહિતી આપતા સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાએ જણાવ્યું હતુ કે ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં અમદાવાદ સહિત કોઇ પણ સ્થળે રથયાત્રા કાઢવામાં આવી ન હતી.

પરંતુ તમામ ધાર્મિક વિધિઓ જેવી કે ધ્વજારોહણ, સ્નાન વિધિ, નેત્ર વિવિઘ ભોગવિધિ અને મંદિરના પરિસરમાં પ્રતિકરૂપે ભગવાનના રથને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તથા સંતો-મહંતો તેમજ આગેવાનો અને ભોઇ સમાજના યુવકો દ્વારા ફેરવવામાં આવ્યો હતો અને સાંજ સુધી લોકોના દર્શનાર્થે રથને મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યો હતો. આ વર્ષે કોરોનાની મહામારીની બીજી લહેરમાં કેસ ઘટવા લાગ્યા છે અને સરકાર દ્વારા મોટા ભાગના ધંધા, બજારોને મુક્તિ આપવામાં આવી છે. રથયાત્રાને હજી એકાદ માસથી વધુ સમય બાકી હોય તે દરમિયાન સરકારની ગાઇડલાઇન મુજબ ભાવનગરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે.

હાલમાં ભગવાનના રથને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ તમામ ધાર્મિક વિધિઓ પણ જે તે સમય મુજબ સંપન્ન થશે. ભગવાનના રથને દર વર્ષે જે રીતે સજાવવામાં આવે છે તે જ રીતે સજાવાશે. ત્યારે તેઓએ કોરોનામાંથી વિશ્વને રથયાત્રા પૂર્વે મુક્તિ મળે અને ભાવનગરમાં ધામધૂમથી રથયાત્રા સાથે ભગવાનને નગરચર્યા તેના નિયત રૂટ પર નિકળે તેવી પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...