ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં વ્યાપેલા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા આદેશ કર્યો છે. ત્યારે પોલીસે તમામ જિલ્લામાં લોકો નીડર બની વ્યાજખોરો સામે રજૂઆત કરી શકે તે માટે લોક દરબાર યોજી રહી છે. ભાવનગરમાં આઈજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લોક દરબારમાં આઠ અરજદારોએ પોતાની આપવીતી જણાવી હતી. જેમાં પોલીસકર્મી સહિતના લોકો વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાની રજૂઆતો થઈ હતી.
ઈમેલ અને નંબર ઉપર લોકો અમારો સંપર્ક કરી શકે : આઈજી
ભાવનગર શહેરની ડીએસપી કચેરી ખાતે પોલીસ તાલીમ કેન્દ્રમાં આઈજી ગૌતમ પરમાર અને ડીએસપી રવિન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકસવાંદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 8 જેટલી અરજીઓ આવી હતી. જ્યારે આઈજી ગૌતમ પરમાર જણાવ્યું હતું કે આઠ જેટલી અરજી આવી છે તેને લઈને આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં આગામી દિવસમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લોકસંવાદનું આયોજન કરવામાં આવશે. આ સાથે જે લોકો સમાજથી અને વ્યાજખોરોથી ડરતા હોય તેના ઘરે જઈને પણ અમે તેને સાંભળશુ. આગામી દિવસોમાં મોહલ્લા મીટીંગ પણ યોજવામાં આવશે. છતાં પણ ઇન્ટરનેટના માધ્યમથી ઈમેલ અને નંબર ઉપર લોકો અમારો સંપર્ક કરી શકે છે. કાયદાકીય રીતે જે પગલાં ભરવાના થતા હશે એ દરેક કાર્યવાહી કરવામાં આવશે. ત્રણ જિલ્લામાં બનાવેલી કમિટીને આધારે આગામી જિલ્લામાં પણ કામગીરી શરૂ કરવામાં આવશે.
બેન્કમાં ચેક નાખી અને બાઉન્સ કરાવીને કોર્ટમાં કેસ કર્યો
ડીએસપી કચેરી ખાતે લોકસંવાદમાં આવેલી આઠ અરજીમાં એક ઇકબાલભાઈ ઝવેરી નામના વ્યક્તિ હતા. જેને પોતાની આપવીતી રજૂ કરી હતી. ઈકબાલભાઈ જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલાં સેકન્ડ ફર્નિચરનું વહેચવાનું કામ તેઓ રવિવારીમાં કરતા હતા. ત્યારે 30 હજાર જેવી રકમ તેમને વરતેજ પોલીસ સ્ટેશનમાં તે સમયે નોકરી કરતા સત્યેન્દ્રસિંહ જશવંતસિંહ રાઠોડ ઉર્ફે સોનુભાઈ પાસેથી લીધી હતી. ત્યારબાદ બાકીના પૈસા પુરા કરેલા અને 20,000 ફરી લીધા હતા. અમે 20 હજાર નહીં આપી શકતા સત્યેન્દ્રસિંહ વારંવાર ઘરે આવીને માનસિક રીતે ટોર્ચર કરતા હતા. વ્યાજ અને મુદ્દલ બંને ટૂંકા દિવસોમાં આપી દેવા ધમકી આપતા હતા. જો કે તે અમે નહીં આપી શકતા સત્યેન્દ્રસિંહ પાસે રહેલા અમારા દુકાનના દસ્તાવેજો અને કોરા ચેક ઉપર સહી કરીને બેન્કમાં ચેક નાખી અને બાઉન્સ કરાવીને કોર્ટમાં કેસ કર્યો હતો. આમ ખૂબ હેરાનગતિ અમને કરી છે.
'રૂપિયા તો આપવા જ પડશે નહીંતર રોડે ચડાવીશ'
ભાવનગરના શિવાજી સર્કલમાં ફરસાણની દુકાન ધરાવતા હિતેશભાઈએ કહ્યું હતું કે, તેમને વર્ષો પહેલાં ચિરાગ નામના શખ્સ પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. જેમાંથી માત્ર ચાર લાખ બાકી હતા. તેમાં સમય વીતી જતા વારંવાર ધમકી મળતી હતી. મેં જ્યારે ઉપલા બકાઈ 4 લાખ પૈસા આપવાની વાત કરી અને 1.32 લાખ ચૂકવી દીધો હોવાનું જણાવતા એ શખ્સે મને તમારા ઉપરના 1.32 ગયા અને હવે તમારે મૂળ રકમ 5.72 લાખ આપવાની રહેશે નહીંતર રોડે ચડાવી દેવાની ધમકી આપી હતી.
લોકસંવાદમાં એક દંપતીની આપવીતી
એક દંપતીને પણ પોલીસ કર્મચારીએ વ્યાજખોરીમાં કમાઈ લેવાના ઇરાદાથી છોડ્યું નથી. દુરૈયાબેન ઇકબાલભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે 17થી 18 વર્ષ પહેલા તેમને સત્યેન્દ્રભાઈ પાસેથી પૈસા લીધા હતા. પચાસ હજાર રૂપિયા 10% લેખે લીધા બાદ અમે તેમને ઘણા સમય પછી 40,000 ચૂકવી પણ દીધા હતા. પરંતુ બાદમાં 10,000 માટે વારંવાર અમારા ઘરે આવતા હતા અને ધમકાવતા હતા. વરતેજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા સત્યેન્દ્રભાઈને અમે 40 હજાર ચૂકવી દીધા બાદ 10 હજાર બાકી રહેતા પછી પણ તેમને અમારી પાસેથી લીધેલા કોરા ચેકમાં સહી કરીને બેંકમાં નાખી ચેક બાઉન્સ કરીને કોર્ટ કાર્યવાહી કરી હતી. મારા પતિને છ દિવસ માટે જેલમાં રાખ્યા હતા. જો કે મેં ઘણી મહેનત બાદ મારા પતિને છોડાવ્યા હતા. આજે અમે એના ઉપરના 10,000 હજૂ આપ્યા નથી. અમને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.